એ...ઈ..., ઈન્સ્પેક્ટર! તુમને અપુનકો દસ-દસ મારા; અપુન તુમકો સિર્ફ દો મારા! પર સોલ્લિડ મારા કિ નહીં?”
- અમર અકબર અન્થોની
પિતાએ એવો કયો સવાલ કર્યો કે અમિતાભે સંસદપદનો ત્યાગ કર્યો?
“અમિતાભ
બચ્ચન દેશદ્રોહી છે. ભ્રષ્ટાચારી છે. દેશને વેચી ખાનારો દલાલ છે.”
દેશભરનાં અખબારોમાં જ્યારે આવી હેડલાઈન્સ છાપવામાં આવી ત્યારે બચ્ચન
સાહેબનાં કરોડો પ્રશંસકોની જેમ હું પણ હચમચી ગયો હતો.
એ સમયગાળો
1988ની આસપાસનો હતો. ઈન્દિરાજીની હત્યા થઈ એ 1984નું વરસ હતું.એ પછી અમિતાભ
રાજકારણમાં પ્રવેશ્યા. કોંગ્રેસનો હાથ નહીં, પરંતુ રાજીવજીનો હાથ મજબૂત
કરવા માટે. ત્યાં અચાનક બોફોર્સની તોપમાંથી કટકી કૌભાંડનો ગોળો ઝીંકાયો.
વી.પી.સિંહે કયા કારણથી રાજીવની સાથે-સાથે અમિતાભને પણ આરોપીનાં પીંજરામાં
ખડા કરી દીધા એ રહસ્યની જાણ આજદિન સુધી કોઈને થઈ નથી.
વરસો પછી એક
પત્રકાર સાથેની ખાનગી વાતચીતમાં અમિતાભ બોલી ગયા હતાં, “હું નિર્દોષ હતો.
બોફોર્સમાં મેં એક પણ રૂપિયાની કટકી ખાધી ન હતી. મારા શબ્દો યાદ રાખજો;
વિશ્વનાથ પ્રતાપસિંહ સુખી નહીં થાય. એ બહુ રીબાઈને મરશે.” અને ખરેખર એવું જ
બન્યું.
પણ આખા દેશની જેમ મારો વિશ્વાસ પણ એ સમયે ડગી ગયો હતો. હું
છેક ‘સાત હિંદુસ્તાની’ અને ‘આનંદ’નાં સમયથી આ અમિનતાભને ‘ફોલો’ કરતો રહ્યો
હતો. મારો આદર્શ નાયક આવો લાંચિયો નીકળ્યો?!
આવો જ આઘાત કદાચ કવિ
હરિવંશરાય બચ્ચનને પણ લાગ્યો હશે. માટે જ એમણે એક દિવસ દિકરાને પૂછી લીધું,
“બેટા!, આખો દેશ કહે છે કે તે બોફોર્સ તોપના સોદામાં દલાલી ખાધી છે. શું
વાત સાચી છે?”
અમિતાભે એ જ દિવસે સંસદસભ્ય પદેથી રાજનામું આપી
દીધું. કાયમ માટે રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો. આ બધી વાતો ખાનગી નથી;
જગજાહેર છે. એ વખતનાં અખબારોમાં આવા સમાચારો છપાયા પણ હતાં. પણ મને છાપામાં
આવતી ‘લાઈન્સ’ વાંચવા કરતાં એમાં ‘બિટવીન ઘી લાઈન્સ’ જે દેખાતું ન હોય પણ
વંચાતું હોય એ વાતોમાં વધારે રસ હતો.
એવું તે શું હતું કે સંસદનાં
ચાલુ સત્રમાં વિરોધપક્ષની પ્રચંડ ધાંધલ-ધમાલ સામે અડગ બનીને ટકી રહેનાર આ
સુપરસ્ટાર પોતાનાં વૃધ્ધ પિતાજીનાં એક સીધા-સાદા સવાલ સામે ટકી ન શક્યા?
પિતાનાં એક સવાલે પિતાભક્ત અમિતાભે ક્ષણભરમાં જ સંસદનું મૂલ્યવાન પદ ત્યાગી દીધું
આનાં
મૂળ છેક અમિતાભનાં શૈશવકાળ સુધી લંબાય છે. સાવ નાની વયે અમિતે એકવાર
ઘરમાંથી ચાર આનાની ચોરી કરી હતી. કારણ સાવ બાલીશ હતું, પણ એના માટે ચાર
આનાની જરૂર હતી. ડ્રેસીંગ ટેબલનાં ખાનામાં એક પાઉડરની ડબ્બી પડી રહેતી હતી.
તેજી બચ્ચનએ ડબ્બીમાં ઘરખર્ચ માટેનું પરચુરણ મૂકતાં હતાં. અમિતે એમાંથી
ચાર આના સેરવી લીધા.
તેજી હિસાબની બાબતે બહુ ચોકક્સ હતાં. તરત જ
સમજી ગયાં. ચોર માત્ર એક જ વ્યક્તિ હોઈ શકે એની પણ એમને ખબર પડી ગઈ. એમણે
બરાડો પાડ્યો, “અમિત! આ ડબ્બીમાંથી ચાર આના તે લીધા છે?” આ તેજીની
કાર્યપધ્ધતિ હતી.
અમિત જૂઠ્ઠું ન બોલી શક્યો, તેજી ખૂબ ગુસ્સાથી
લાલચોળ બની ગયાં. એમણે અમિતનાં ગાલ ઉપર એક સણસણતી લપડાક લગાવી દીધી. અમિત
રડી પડ્યો. પછી માથું નીચું કરીને ચૂપચાપ ‘હોમવર્ક’ લખવા બેસી ગયો.
રાત્રે
એના પિતાજી ઘરે આવ્યા; બધી હકીકત જાણી. પછી તેઓ અમિત પાસે ગયા. એમની આદત
પ્રેમ અને ધીરજથી સમજાવવાની હતી. એમણે દીકરાનાં આંસુ લૂછ્યા, “બેટા, તારે
પૈસાની જરૂર હતી, તો કહીને લેવા હતાં. ચોરી શા માટે કરી? હવે પછી ક્યારેય
આવું કરતો નહીં.”
દેશ આખો ભલે ગમે તે માનતો હોય, અમિતાભને એની પરવા
ન હતી. પણ એના પ્રિય બાબુજી એને આવો પ્રશ્ન પૂછે? “બેટા, તે
બોફોર્સકાંડમાં દલાલી ખાધી છે એ વાત સાચી છે?”
એક પિતાભક્ત પુત્ર આ
પ્રશ્નની ધાર શી રીતે સહી શકે? ભાડમાં જાય લોકસભાનું સભ્યપદ! જ્યાં પહોંચવા
માટે એમણે અલ્હાબાદની બેઠક પરથી ચૂંટણી લડવી પડી હતી, રાજકારણનાં અઠંગ
ખેલાડી હેમવતીનંદન બહુગુણાને હરાવવા માટે ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરવો પડ્યો
હતો, પ્રજાને જાત-જાતનાં વચનો આપવા પડ્યાં હતાં, પોતાની અભિનેતા તરીકેની
ઈમેજને હોડમાં મૂકવી પડી હતી અને જાહેરસભાઓમાં રૂંધાયેલા કંઠે આવું કહેવું
પડ્યું હતું કે- ‘હું ઈન્દિરાજીનાં રૂધીરનું તિલક મારા કપાળમાં લગાવીને
તમારી પાસે આવ્યો છું’, એ લોકસભાનું મુલ્યવાન સભ્યપદ એક જ ક્ષણમાં ફગાવી
લઈને અમિતાભ સંસદની બહાર આવી ગયાં હતાં.
જ્યારે આ રહસ્ય જાણ્યું ત્યારે મને અપાર સંતોષ થયો. મેં જેને મહાનાયક માન્યો તે પુરુષ દેશદ્રોહી, રિશ્વતખોર કે ચોર હરગીઝ નથી.
ઋજુ સ્વભાવનાં કવિ બચ્ચનજી કેમ ઝગડી પડ્યા અમિતનાં શિક્ષક સાથે?
લગભગ
આ ચોરી કરી એ જ ઉંમરે અમિતે એકવાર શાળામાં પણ માર ખાદ્યો હતો. અલબત્ત, એણે
તોફાન કર્યું એટલે શિક્ષકે એને ફટકાર્યો. અમિત રડતો-રડતો ઘરે આવ્યો. એને
સખત તાવ ચડી ગયો. કવિ બચ્ચનજી આમ તો બહુ ઋજુ સ્વભાવનાં હતાં, પણ બાળકોને
મારવાની વાતના તેઓ સખત વિરોધી હતાં. બીજે દિવસે કવિ શાળામાં પહોચી ગયાં.
શિક્ષકની સાથે ઝગડી પડ્યા, “મારો દીકરો તોફાન કરે તો એને સજા આપવાની બીજી
અનેક રીતો છે; તમે એને સોટીથી માર્યો શા માટે? હું તમારી વિરૂધ્ધ જો ફરિયાદ
કરીશ, તો તમારે નોકરીથી હાથ ધોઈ નાખવા પડશે!”
શિક્ષકે પોતાની ભૂલ
સ્વીકારી ત્યારે જ કવિ શાંત પડ્યાં. આવા પ્રસંગોમાંથી અમિત શીખતો જતો હતો
કે સામાન્ય સંજોગોમાં ભલે આપણે શાંત રહીએ, પણ જો કોઈ આપણને અન્યાય કરે તો
એની સામે રોદ્ર રૂપ ધારણ કરતાં અચકાવું ન જોઈએ.
કદાચ આ ઘટનામાંથી
આપણને એંગ્રી યંગમેન મળ્યો હશે. યાદ છે ‘દીવાર’નું પેલુ દૃશ્ય? જેમાં કૂલી
બનતો અમિતાભ મોંઢામાંથી સળગતી બીડી અને આંખોમાં જલતા અંગારા સાથે એ ફિલ્મનો
પહેલવહેલો તેજાબી સંવાદ ઉચ્ચારે છે: “અગલે હફ્તે એક ઔર કૂલી ઈન મવાલીયોંકો
પૈસે દેનેસે ઈન્કાર કરને વાલા હૈ!”
1947માં દેશ આઝાદ થયો ત્યારે
દેશની જનતાને નેતાઓ પાસેથી અસંખ્ય અપેક્ષાઓ હતી. ધીરજનો ડોઝ પચીસેક વર્ષ
પૂરતો ચાલ્યો, પણ પછી પ્રજામાં નિરાશા પ્રસરતી ગઈ. નેતાઓનો ભષ્ટ્રાચાર,
વેપારીઓ દ્વારા ગરીબોનું શોષણ, અંધારી આલમનાં ગુંડાઓ મારફતે ભોળી જનતા
પાસેથી હપ્તાની વસૂલી આ બધાંની સામે દેશ લાચાર બનીને ધૂંધવાતો હતો.
આવા
સમયે હિંદી સિનેમાનાં પડદા ઉપર પહેલીવાર કોઈએ માથું ઉઠાવ્યું હતું. એ હતો
એંગ્રી યંગમેન અમિતાભ બચ્ચન. પણ કોને ખબર હતી કે પડદા ઉપર વાઘની જેમ ત્રાડ
નાખતા આ કલાકારની પાછળ પ્રેરણા એના સૌમ્યભાષી કવિ પિતા હરિવંશ રાય બચ્ચનની
હતી!
અમિતાભનાં ઘડતરમાં કોનો ફાળો રહ્યો, પિતાનો કે માતાનો?
મને
આ સવાલે ખૂબ સતાવ્યા કર્યો છે: “આપણે અત્યારે જે અમિતાભને ઓળખીએ છીએ એને
આવો બનાવવામાં કોનો ફાળો વધારે હશે; તેજીનો કે હરિવંશ રાયનો?”
તેજી
અને હરિવંશ રાયજી બંનેનાં સ્વભાવો વચ્ચે બહુ મોટો ફરક હતો. તેજી ઉગ્રમિજાજી
શીખ મહિલા હતાં, જ્યારે બચ્ચનજી સાવ નરમ પ્રકૃતિનાં કવિરાજ હતાં.
એકવાર
અમિત શેરીમાં રમતાં-રમતાં કોઈ મિત્રનાં હાથનો માર ખાઈને ઘરે આવ્યો. તેજીએ
એને ઘરમાં પ્રવેશવા ન દીધો, “જા પાછો જા! તને જેણે માર માર્યો છે એને
બરાબરનો મેથીપાક ચખાડીને પછી જ પાછો આવજે!” અને અમિતે માતાની આજ્ઞાનું
શબ્દશઃ પાલન કર્યું હતું.
એનું આવું જ રૂપ એની મોટા ભાગની ફિલ્મોમાં
આપણને જોવા મળ્યું છે. અંડરવર્લ્ડનાં ડૉનનાં અડ્ડામાં એકલપંડે ઘસી જતાં
અમિતને આપણે અનેકવાર જોયેલો છે. બારણાંને લાત મારીને “આ ગયાં હૈ તુમ્હારે
બાપકા બાપ! કહીને ગૂંડાઓની ઉપર તૂટી પડતાં ઝનૂની નાયકને આપણે જોયો છે.
પીટરનાં ગોડાઉનનો દરવાજો બંધ કરી દઈને એનું તાળુ બંધ કરીને ચાવી પીટરનાં
હાથમાં સોંપીને આવો પડકાર ફેંકતા વિજયને આપણે જોયો છે: “અબ તેરી જેબ મેં સે
યે ચાબી નિકાલકર યે તાલા ખોલકર હી મૈં યહાં સે બાહર નિકલૂંગા.”
(ફિલ્મ-દીવાર)
આ તેજાબનાં શીશા જેવો અમિતાભ એ તેજીની સલાહનું પરિણામ છે. જ્યારે કવિ બચ્ચનજી હોય તો એ શું કહેતા?
અમિતનાં
પિતા હંમેશા એને સલાહ આપતા, “બેટા, આ દુનિયા તને ખૂબ મૂક્કાઓ મારશે, તું એ
મારને સહન કરતાં શીખજે. માય ડિયર અમિત, ગુડ હાર્ડ બ્લોઝ આર ડિલાઈટ્સ ટુ ધ
માઈન્ડ.”
વાસ્તવિક જીંદગીમાં આપણે અમિતાભને આવો સખત માર સહન કરી લેતો જોયો છે. ‘75 થી ‘94નાં સમયગાળામાં એના વિરોધીઓએ કશું બાકી નથી રાખ્યું.
કવિ
બચ્ચનજીને પદ્મવિભૂપણનો ખિતાબ મળે તો પણ એનું કારણ ‘મધુશાલા’ નહી, પણ
દેશનાં વડાપ્રધાનનાં પરિવાર સાથે એમનાં પુત્રની નિકટતાને ગણવામાં આવી.
કટોકટીકાળમાં અખબારી સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવામાં આવી; એમાં ફિલ્મી
મેગેઝિન્સ ઉપર પણ સેન્સરશિપ લાદવામાં આવી. વિરોધીઓએ બૂમરાણ મચાવી મૂકી, “આ
કામ અમિતાભનું છે.” એ પછી એમનું સંસદમાં પ્રવેશવું, રાજીવ ગાંધીની સાથે
સહકુટુંબ રજાઓ માણવા જવું, બોફોર્સકાંડમાં ખરડાવું, રાજીવની હત્યા પછી
સોનિયા સાથે મતભેદો ઉત્પન્ન થવા, એ.બી.સી.એલ.નો ધબડકો, શાહરૂપ સાથેનાં
મતભેદો, અભિષેક અને કરિશ્માની નક્કી થઈ ચૂકેલી સગાઈનું અટકી જવું, રેખાનું
તો સમજી શકાય, પરંતુ પાગલ થઈ ગયેલી પરવીન બાબી સાથેનાં સંબંધો અને એનાં
તરફથી કરવામાં આવેલા આક્ષેપો!
અમિતાભે આ બધો માર ચૂપચાપ સહન કરી લીધો. કારણ શું? પિતા તરફથી મળેલા સંસ્કાર : “ગુડ હાર્ટ બ્લોઝ આર ડિલાઈટ્સ ટુ ધ માઈન્ડ.”
અમિતાભની પસંદગીની બે રમતો
પિતા
હરિવંશરાયે ભલે જીંદગીની રણભૂમિ પર માર ખાઈ લેવાની સલાહ દીકરાને આપી હોય,
પણ બૉક્સિંગ રીંગ એમની શિખામણ સાવ જુદી જ હતી. અમિતને શાળાકાળમાં બે રમતો
ખાસ પસંદ હતી; એક, દોડવાની સ્પર્ધા અને બીજી,મુક્કાબાજીની હરિફાઈ.
સો
મીટર અને બસો મીટરની દોડમાં અમિત હંમેશા પ્રથમ ક્રમે આવતો હતો. એની લાંબી
ડાંફ ભરીને દોડવાની શૈલી દેશભરમાં મશહૂર બની ગઈ. સૌથી પહેલા ફિલ્મ
‘દીવાર’માં આપણે શશી કપૂરની ગોળીથી બચવા માટે ભાગતા અમિતને જોયો; એ સાથે જ
સિનેમાના પડદા પર દોડતા બાકીનાં બધા અભિનેતાઓ ‘રનર અપ’ બની ગયાં.
પણ
બૉક્સિંગની સ્પર્ધામાં અમિતને કાયમ આકરી કસોટીનો સામનો કરવો પડતો હતો.
અમિત ઉંમરમાં નાનો હતો, પણ ઊંચાઈમાં મોટો હતો. આથી એનો સામનો હંમેશા એવા
હરિફો વિરૂધ્ધ ગોઠવતો હતો, જેઓ ઉંમરમાં એના કરતાં બે-ત્રણ વર્ષ મોટા હોય.
આવી
જ એક સ્પર્ધામાં અમિત મુક્કાબાજીમાં છેક ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી ગયો.
એના પિતાજી તો એ વખતે ઈંગ્લેન્ડમાં હતાં, પણ માતા તેજી આ ટક્કર જોવા માટે
બંટીને સાથે લઈને પહોંચી ગયાં.
રેફરીએ ઈશારો કર્યો એ સાથે
મુક્કાબાજી શરૂ થઈ ગઈ. પણ એ દિવસ અમિતનો ન હતો. એને ખૂબ માર પડ્યો.
સામેવાળો છોકરો ઉંમરમાં મોટો અને મજબૂત હતો. રીંગની નજીક બેઠેલાં તેજી
દિકરાને ‘ચીઅર-અપ’ કરી રહ્યાં હતાં, અમિત પણ પોતાની લાજ બચાવવા માટે મરણિયો
બનીને મુક્કાઓ વીંઝતો હતો, પણ એના હાથ હરીફનાં ચહેરા સુધી પહોંચતા ન હતાં.
અમિત હારી ગયો. એનું મોં સૂજી ગયું હતું, હોઠ ચીરાઈ ગયાં હતાં, આંખોની
આસપાસ લોહી જામી ગયું હતું. સામેવાળાને માંડ બે-એક મૂક્કાઓ વાગ્યા હતાં.
અમિતે
પરદેશમાં અભ્યાસ માટે ગયેલા પિતાને પત્ર લખ્યો, એમાં આ મુક્કાબાજીનું
યથાતથ વર્ણન કર્યું હતું, “દોડની સ્પર્ધામાં હું પ્રથમ આવ્યો છું, લોંગ
જંપમાં પણ મને પહેલું ઈનામ મળ્યું છે. પણ બૉક્સીંગમાં હું હારી ગયો. ત્રણ
રાઉન્ડ જીત્યા પછી હું ફાઈનલમાં મારાથી મોટા છોકરાની સામે મૂકાયો, માટે
જીતી ન શક્યો. એણે મને ખૂબ માર્યો, મેં પણ એને છોડ્યો નથી. ભલે હું એને
એક-બે મુક્કાઓ જ મારી શક્યો, પણ એ એને જીંદગીભર યાદ રહેશે. મારા નાકમાંથી
થોડુંક લોહી નીકળ્યું, પણ એ તરત બંધ થઈ ગયું. મારી ચિંતા ન કરશો. તમે મને
‘બ્રેવ બોય’ કહો છો ને! હું ખરેખર ‘બ્રેવ બોય’ જ છું.”
કટ ટું : આ
ઘટના પરથી મને ફિલ્મ ‘અમર અકબર એન્થોની’નું એક દૃશ્ય યાદ આવી જાય છે. રસ્તા
પર ટપોરીગીરી કરી ખાતા એન્થનીનો સામનો પોલીસ ઈન્સ્પેક્ટર વિનોદ ખન્ના સાથે
થઈ જાય છે. વિનોદ ખન્ના એન્થોનીભાઈની વગર સાબુએ ખૂબ ધોલાઈ કરે છે.
મારી-મારીને થોબડું સૂજાડી દે છે. પછી એને લોક અપમાં બંધ કરી દે છે.
જ્યારે
પોલીસ ઈન્સ્પેક્ટર વિનોદ ખન્ના ખુરશી-ટેબલ પર પોતાનું કામ કરતો હોય છે,
ત્યારે બાજુમાં લોક થયેલો એન્થોની એને કહે છે, “એ...ઈ..., ઈન્સ્પેક્ટર!
તુમને અપુનકો દસ-દસ મારા; અપુન તુમકો સિર્ફ દો મારા! પર સોલ્લિડ મારા કિ
નહીં?”
અમિતાભ બચ્ચનની ફિલ્મોનાં ઘણાં બધાં દૃશ્યો ક્યારેક એમની
જીંદગીમાં ભજવાઈ ચૂક્યા છે. લાગે છે કે એમની જીંદગીનાં આલ્બમનાં અસંખ્ય
ફોટોગ્રાફ્સ આપણે હજુ જોવાનાં બાકી છે.
Comments
Post a Comment