અમિતાભ
બચ્ચનને પોતાની ચોથી વર્ષગાંઠ યાદ રહી ગઈ છે. તેજી બચ્ચન ત્યાં સુધીમાં
અલ્લાહાબાદના સંભ્રાંત, સંસ્કારી, સામાજીક વર્તુળમાં પોતાની આગવી ઓળખ બનાવી
ચૂક્યાં હતાં. મુન્નાની વર્ષગાંઠની ઉજવણી માટે જે પાર્ટીનું આયોજન કરવામાં
આવ્યું હતું, તેમાં શહેરનાં ચૂંટેલા લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું
હતું.
પાર્ટીની રંગત એની જુવાની પર પહોંચી રહી હતી, ત્યાં અચાનક
શાંતિ પ્રસરી ગઈ. એક ખૂબસૂરત સ્ત્રીએ પોતાના બે વર્ષનાં દિકરાની સાથે
પ્રવેશ કર્યો.
ઉપસ્થિત મહેમાનો એકબીજાનાં કાનમાં ગણગણી રહ્યા: “એ ઈંદિરાજી છે. ફિરોઝનાં પત્ની અને દેશનાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીનાં દીકરી.”
આપણે
તો ઈંદિરાજીને વૃધ્ધાવસ્થામાં જોયા છે; તે સમયે પણ એમનાં વ્યક્તિત્વનાં
જાદુ પાછળ દેશ આખો પાગલ હતો. યુવાનીમાં તેઓ કેવાં લાગતાં હશે?!
ઈંદિરાજી
આવીને તેજીને ભેટી પડ્યાં. પછી બોલ્યાં, “લો હું તો નાનકડાં ધોબીને લઈને
આવી છું.” આમ કહીને એમણે દીકરાને આગળ કર્યો. એ રાજીવ હતો. બે મિત્રોની આ
પ્રથમ મુલાકાત હતી.
વાત એમ હતી કે અમિતાભનાં જન્મદિવસની ઉજવણી
નિમિત્તે તેજીએ ફેન્સી ડ્રેસ કોમ્પિટીશનનું પણ આયોજન કર્યું હતું. એમાં
દરેક બાળકે સાવ અલગ જ વસ્ત્રો પહેરીને આવવાનું હતું.
રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાત
રાજીવ ધોબી બનીને આવ્યો હતો. ઘૂંટણથી સહેજ ઉપર સુધીનું ધોતિયું, સદરો અને માથા પર ટોપી. ખભા પર નાનકડી પોટલી પણ હતી.
અમિતે
લશ્કરી જવાનનો યુનિફોર્મ ધારણ કર્યો હતો. ચાર વર્ષનાં અમિતે બે વર્ષનાં
રાજીવને પ્રેમપૂર્વક આવકાર્યો. પોતાનો ડાબો હાથ લંબાવીને રાજીવના જમણા હાથ
સાથે મેળવી દીધો.
માંડ અડધો કલાક થયો હશે ત્યાં ધોબીની ધોતલી સરી
પડી. રાજીવ પોતાના કપડાં સંભાળી ન શક્યો. ઈંદિરાજી આ વાત જાણતાં હશે; આથી જ
એ પોટલીમાં કપડાંની બીજી એક જોડી સાથે લઈને આવ્યાં હતાં. રાજીવનાં શરીર પર
ચૂડીદાર પાયજામો, ખાદીનો ઝભ્ભો અને ટોપી પહેરાવી દેવામાં આવ્યા. રાજીવ હવે
ધોબીમાંથી રાજનેતા બની ગયો.
ભારતનાં નાગરિકોએ તો દાયકાઓ પછી રાજીવ ગાંધીને આવા વસ્ત્રોમાં જોયા, પણ એમને રાજનેતાનાં ગણવેશમાં સૌથી પહેલીવાર જોનારા અમિતાભ હતાં.
બંને
વચ્ચે ગાઢ દોસ્તી જામી ગઈ. જ્યારે દિલ્હીમાં સાથે રમવાનાં દિવસો આવ્યા,
ત્યારે અમિત પોતાના મિત્રને ઘણીવાર કહેતો, “તુ આ ગેટઅપમાં જ જામે છે. મારી
ભવિષ્યવાણી યાદ રાખજે તું એક દિવસ જરૂર રાજનેતા થવાનો છે.”
પણ
રાજીવને રાજનેતા બનવામાં ત્યારે પણ રસ ન હતો. કિશોરાવસ્થામાં એને અલગ-અલગ
જાતનાં ઓજારો અને ઈલેક્ટ્રીકને લગતા સામયિકોમાં વધારે રસ પડતો હતો. રેડિયો,
ટેપરેકર્ડર, ચાવીથી ચાલતાં રમકડાં, બેટરીથી ઊડતું વિમાન એવા બધાં રમકડાંનો
એક-એક હિસ્સો રાજીવ છુટ્ટો પાડી દેતો અને પછી બાહોશ કારીગરની પેઠે જેમ હોય
તે જ સ્થિતિમાં જોડી દેતા હતાં.
કાશ, વિધાતાએ આ સીધા-સાદા માણસને વિમાનનાં કોકપીટમાંથી ઊચકીને પ્રધાનમંત્રીનાં સિંહાસન ઉપર ન મૂકી દીધો હોત!
ઘર થા ઈધર-ઉધર
અલ્લાહાબાદમાં
કવિ બચ્ચનજી પોતાની માલિકીનું મકાન ખરીદી શક્યા ન હતાં. જે ઘરમાં રહ્યાં
તે તમામ ભાડાંનાં હતાં. એમની કુંડળીમાં કદાચ સ્થિરતાનો યોગ જ લખાયો ન હતો.
નિશ્ચિત સમયાંતરે એમણે મકાનો બદલતા રહેવું પડતું હતું.
બેંક રોડ
પરનું મકાન, પછી સ્ટ્રેચી રોડ પરનું ઘર, પછી એડલ્ફી હાઉસ અને એ પછી ક્લાઈવ
રોડ પરનું મકાન. આજે તો અલ્લાહાબાદના આ જૂનાં મકાનો અમિતાભનાં ચાહકો માટે
તીર્થધામ સમા બની ગયાં છે, પણ એ વખતે આ દરેક ઘરમાં કવિની ગરીબી અને તેજીનાં
આંસુ વસતાં હતાં.
અમિતજીનાં શૈશવની અસંખ્ય સ્મૃતિઓ આ દરેક મકાનની સાથે સંકળાયેલી છે.
એડલ્ફી
હાઉસની વાત કરીએ તો રાજીવ ગાંધી સાથે પ્રથમ મુલાકાતની વાત આપણે હંમણા જ
જોઈ ગયાં. આ જ મકાનનાં વસવાટ દરમ્યાન નાના ભાઈ અજિતાભનો જન્મ થયો હતો. એના
બે-અઢી મહિના દરમ્યાન બાદ દેશ આઝાદ થવાનાં સમાચાર આવ્યા હતાં. અમિતે
શાળામાં જવાની શરૂઆત અહીંથી જ કરી હતી. અને એડલ્ફી હાઉસમાં રહેતા હતા,
ત્યારે જ એક દિવસ સાંજના સમયે કવિ હરિવંશરાયજી ઘેર આવીને રડી પડ્યાં હતાં.
તેજીએ રડવાનું કારણ પૂછ્યું, ત્યારે કવિએ જવાબ આપ્યો હતો, “મહાત્મા ગાધીની હત્યા થઈ ગઈ! આપણે અનાથ બની ગયાં!”
બેંક
રોડ પરનાં મકાનમાં રહેતો હતાં ત્યારે જ અમિતને જીવલેણ તાવ આવ્યો હતો અને એ
સાજો થઈ જાય તો એના બદલામાં એના પિતાએ, મધુશાલાનાં કવિએ, જીવનભર મદિરાપાન
નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સ્ટ્રેચી રોડ પર આવેલા મકાનમાં
અમિતને પ્રથમવાર મૃત્યુનો ભયાવહ ચહેરો જોવા મળ્યો હતો. એના વયોવૃદ્ધ દાદીમા
સૂરસતીનું મૃત્યુ આ મકાનમાં થયું હતું.
અમિતે પૂછ્યું હતું: “દાદીને ઉપાડીને બધાં ક્યાં લઈ ગયાં?”બચ્ચનજીએ કહ્યું હતું: “ભગવાન રામ પાસે...”
એક
જમાનો સોંધવારીનો હતો, એટલે સસ્તા ભાડાનાં મકાનો સહેલાઈથી મળી શકતા હતાં.
પરંતુ તેજી બચ્ચન પિતાનાં ઘરે હતાં ત્યારથી ઠાઠમાઠથી રહેવા માટે ટેવાયેલા
હતાં. આથી જ તેઓ હંમેશા મોટા મકાનોમાં રહેવાનું પસંદ કરતાં હતાં.
‘40નાં
દાયકામાં જ્યારે અલ્લાહાબાદમાં સામાન્ય મકાનનું ભાડું પાંચ-સાત રૂપિયા
રહેતુ હતું,ત્યારે બચ્ચનજી ત્રીસ-પાંત્રીસ રૂપિયા ભાડું હોય તેવા મકાનમાં
રહેવાનું પસંદ કરતા હતાં. મકાનને સજાવવાની અને શણગારવાની જવાબદારી કાયમ
તેજીનાં માથે રહેતી હતી.
કવિ તો મોટાભાગે નોકરીમાં અને વાંચનમાં
ડૂબેલા રહેતાં; કાં તો બહારગામનાં પ્રવાસોમાં વ્યસ્ત હોય. ક્યારેક
મકાનમાલિકો કફોડી હાલતનું નિર્માણ કરી દેતા હતાં.
કોઈપણ પ્રકારની
પૂર્વજાણ કર્યા વગર જ મકાન માલિક ભાડું વધારી મૂક્તો હતો. ત્રીસ રૂપિયાનું
મકાન રાતોરાત પચાસ રૂપિયાનું થઈ જતું હતું જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી
તેજી મકાન માલિકને સહકાર આપી છુટતાં હતાં, પણ કોઈની લૂખ્ખી દાદાગીરીને તાબે
થવાનું આ શીખ ઔરતની ગળથૂથીમાં જ ન હતું.
બેંક રોડના મકાન વિષે આવું
જ કંઈક બની ગયું. માલિકે રાતોરાત ભાડું પચાસમાંથી સિત્તર રૂપિયા કરી
દીધું. કવિ તો એ સમયે બહારગામ હતાં. તેજીએ વિચાર્યું કે પતિને આ વાતની જાણ
કરવાનો કશો અર્થ નથી. નાહકની એમની ચિંતામાં વધારો થશે.
એમણે બીજું
મકાન શોધવાનું શરૂ કરી દીધું. સ્ટ્રેચી રોડ ઉપર સુંદર વિશાળ બંગલો મળી ગયો.
એ સહેજ દૂર હતું માટે સસ્તું પણ હતું. રાતોરાત મુન્નાની સાથે સરસામાન લઈને
એકલે હાથે તેજી આ નવાં મકાનમાં રહેવા માટે ચાલ્યા ગયાં.
કવિ ટ્રેઈનિંગ પૂરી કરીને જ્યારે પાછા આવ્યા ત્યારે આખી વાત જાણવા મળી. પત્નીની હિંમત અને સૂઝ-બૂઝ જોઈને તેઓ દંગ રહી ગયાં.
આવું
જ પાછળથી એડલ્ફી હાઉસમાં પણ બન્યું હતું. એડલ્ફીના માલિકે સામે ચાલીને
બચ્ચન પરિવારને પોતાનું ઘર ભાડે આપ્યું હતું અને પછી અચાનક મકાન ખાલી કરી
આપવાનો હુકમ ફરમાવી દીધો હતો. કવિએ ધાર્યું હોત તો કાનૂની લડત આપી શક્યા
હોત, પણ એ ઢીલા સ્વભાવનાં હતાં અને તેજીને પોતાની ખુમારી વહાલી હતી.
સ્વમાનના ભોગે તેઓ કોઈના મકાનમાં પડી રહેવા માટે તૈયાર ન હતાં.
નાનકડો
અમિત આ બધું જોયા કરતો હતો. પાછળથી જ્યારે તકદીરે કરવટ બદલી અને અમિતાભના
નામના સિક્કા પડવા લાગ્યા ત્યારે અમિતાભે અલ્લાહાબાદ જઈને આ મકાનો વિષે
તપાસ શરૂ કરી દીધી.
મિત્રોએ માહિતી આપી, “મકાનો હવે જર્જરિત થઈ ગયાં છે, જોવા પણ ન ગમે તેવાં!”
અમિતાભે
ત્યારે તો કશું ન કહ્યું, પણ ધીમે-ધીમે એમાંના મહત્વના મકાનો ખરીદી લીધા.
વેચનારને હવે પૂરેપૂરી જાણ હતી કે તેઓ કોને એમના મકાનો વેચી રહ્યાં છે
અમિતાભ જેવો મહારથી જો કિંમત ચૂકવવાનો હોય તો કયો મકાનમાલિક ઊંચો ભાવ
બોલવામાં પાછો પડે? મોં-માંગી કિંમત આપીને અમિતાભે સોદાઓ પાર પાડ્યા.
મિત્રો
તેમજ સગાં-સંબંધીઓને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે બધાંએ અમિતજીને આકરો
ઠપકો આપ્યો, “તમને વેપાર કરતાં નથી આવડતો જો તમે ખેંચતાણ કરી હોત તો આ બધાં
મકાનો તમને ઓછી કિંમતમાં મળી શક્યા હોત!”
અમિતાભે શું જવાબ આપ્યો
હશે? આ જાણવા માટે ફિલ્મ દીવારનું એક દૃશ્ય યાદ કરવું પડે. ફિલ્મમાં એક
મસમોટી ઈમારતની ખરીદી માટે બજારભાવ કરતા પણ વધુ રૂપિયા ચૂકવ્યા પછી અમિતાભ
અને મકાનમાલિક વચ્ચે સંવાદ ચાલે છે. પેલો કહે છે: “તમને સોદો કરતાં ન
આવડ્યું જો તમે ભાવતાલમાં જરાક વધું ખેંચતાણ કરી હોત તો આ મકાન હું
સસ્તામાં આપી દેવા તૈયાર હતો.”
અમિતાભ કહે છે: “માફ કરના બિઝનેસ
કરના તો આપકો નહીં આતા!” ( જો તમે વધુ રૂપિયા માંગ્યા હોત તો આ બિલ્ડીંગ
માટે હું વધુ ચૂકવવા માટે તૈયાર હતો!)
મકાનમાલિક આશ્ચર્યચકિત બની જાય છે: “ઐસી કૌન સી ખાસ બાત હૈ ઈસમેં....”
અને
સદીનો શ્રેષ્ઠ અભિનેતા એના ધેધૂર સ્વરમાં પડદા પરનો યાદગાર સંવાદ ફટકારે
છે: “યે બિલ્ડીંગ જબ બન રહી થી, તબ મેરી માંને યહાં ઈંટે ઊઠાઈ થી!”
અલ્લાહાબાદનાં મિત્રો શું જાણે કે પેલા ખંડેરોમાં વરસો પહેલા કવિ બચ્ચનજીની લાચારી અને તેજીનાં આંસુ ટપકેલા હતાં!
Comments
Post a Comment