સિકંદરને જિંદગીમેં બહોત કમ લોગોંસે હાથ મિલાયા હૈ – મુકદ્દરકા સિકંદર
ઈન્દિરા કેમ વારંવાર બચ્ચનના ખબરઅંતર લેવા દોડતા?
અમિતાભ
બચ્ચનને જાહેરમાં રડતાં માત્ર બે જ વાર જોવામાં આવ્યાં છે. એક દીકરી
શ્વેતાનાં લગ્ન વખતે કન્યાવિદાયનાં પ્રસંગે અને બીજીવાર ટેલીવિઝનનાં પડદે
સોનિયા ગાંધી સાથેના વણસેલા સંબંધો વિશે વાત કરતી વેળાએ. આંખો આંસુથી
છલકાતી હતી, ગળામાં ડૂમો ભરાયેલો હતો અને કેમેરાની સામ શહેનશાહ પોતાના ભારે
અવાજને વધુ ભારે કરીને કહેતા હતા, “પંડિત નહેરુજી ઔર બાબુજીકા નાતા બરસોં
પૂરાના હૈ. દો પરિવારોં કે બીચ તીન પીઢિયોંકા રીશ્તા હૈ. અબ અગર ગાંધી
પરિવાર હમસે નાતા તોડ દેના ચાહતા હૈ, તો હમ કર ભી કયા સકતે હૈ વો રાજા હૈ,
હમ પ્રજા હૈ!”
આ છેલ્લા શબ્દો – ‘વો રાજા હૈ, હમ પ્રજા હૈ’ –માં
હકીકત ઉપરાંત કટાક્ષ, દુઃખ, પીડા અને ફરિયાદનાં ભાવો પણ સામેલ હતાં. એ
વાક્ય દેશભરમાં ખૂબ ગાજ્યું હતું. રાજા-પ્રજાની વાતમાં તો જાહેર ન કરી શકાય
તેવું ઘણું બઘું રહસ્ય છૂપાયેલું છે પણ આપણને નિસ્બત પેલા ત્રણ-ત્રણ
પેઢીઓથી ચાલ્યા આવતા રીશ્તા સાથે છે.
ચોક્કસપણે ક્યારથી અને કયાંથી શરૂ થયો દેશનાં આ બે અગ્રીમ પરિવારો વચ્ચેનો સંબંધ?!
નહેરુ-બચ્ચન પરિવારને જોડતી કડી બનવાનું સૌભાગ્ય સરોજિની નાયડુને ફાળે
તમને
જાણીને આશ્ચર્ય થશે કે નહેરુ- બચ્ચન પરિવારો વચ્ચે જોડતી કડી બનવાનું
સૌભાગ્ય સરોજિની નાયડુને ફાળે જાય છે. સરોજિની નાયડુ જાણિતા કવયિત્રી હતાં
અને માત્ર ચૌદ જ વર્ષની ઉંમરે એમણે અંગ્રેજી કવિતા લખવાનું શરૂ કરી દીધું
હતું. જો માત્ર સાહિત્યની જ વ્યકિત હોત તો પણ સરોજિની પં. નહેરુની નજીક આવી
શક્યાં હોત કેમ કે પરિવારમાં બીજી પણ એક ખાસિયત હતી – દેશભક્તિની.
સરોજિનીનો
એક ભાઈ વિરેન્દ્રનાથ ચટ્ટોપાદ્ધ્યાય વીર સાવરકરની ગુપ્ત ક્રાંતિકારી
સંસ્થાનો સભ્ય હતો અને હિંસક ક્રાંતિ આચરવાના પ્રયાસ બદલ ફાંસીની સજા પામી
ચૂક્યાં હતો. (બીજો એક ભાઈ હરિન્દ્રનાથ ચટ્ટોપાદ્ધ્યાયને અને એક બહેન
પ્રતિમા દેવીને આપણે હિન્દી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ.) હરિન્દ્રનાથ ખુદ એક
સારા કવિ પણ હતાં. 1975માં આવેલી હિન્દી ફિલ્મ ‘જુલી’નું ખૂબ લોકપ્રિય
થયેલું અંગ્રેજી ગીત- ‘માય હાર્ટ ઈઝ બીટીંગ’ યાદ છે ને? એ ગીત હરિન્દ્રનાથે
લખ્યું હતું.
આવાં સરોજિનીએ પં. નહેરુ ‘રાખી ભાઈ’ બનાવેલા હતાં.
જ્યારે સરોજિની પ્રથમવાર કવિ બચ્ચનને મળ્યાં ત્યારે નિમિતમાં માત્ર કવિતા જ
હતી. 1933નું વર્ષ હતું. બચ્ચનજી ત્યારે ‘મધુશાલા’ સર્જી રહ્યાં હતાં.
પ્રથમ પત્ની શ્યામા ત્રણ વર્ષ પછી મૃત્યુ પામવાનાં હતાં અને તેજી હજુ નવ
વર્ષ પછી કવિની જીંદગીમાં પ્રવેશવાનાં હતાં.
‘33માં બંધાયેલો સંબંધ
નવ વર્ષ પછી છેક ‘42માં પુનઃ જોડાયો. એ ફેબ્રુઆરી મહિનો હતો. સરોજિની
ત્યારે અલ્લાહાબાદ પધાર્યા હતાં. એમના સન્માનમાં અમરનાથ ઝાએ ડિનરનું આયોજન
કર્યું હતું. ગાઢ મિત્રતાના નાતે અમરનાથે કવિ બચ્ચનને પણ સજોડે આમંત્ર્યા
હતાં.
સરોજિની ઉમળકાભેર કવિને મળ્યાં અને તેજીને તો ભેટી જ પડ્યાં.
તેજીનું સૌદર્ય જોઈને તેઓ રાજી થયાં. બચ્ચનજીને કહ્યું પણ ખરું, “ખૂબ
ઝખ્મો સહ્યાં છે તમે! પણ હવે મલમ સારો મળી ગયો છે!”
એ સાંજે બધાંએ
આનંદપૂર્વક પસાર કરી દીધી. છુટાં પડતી વખતે સરોજિનીએ વાટકી-વ્યવહાર કર્યો,
“આજે તમે મારું સ્વાગત કર્યું છે, તો આવતી કાલે હું તમારુ અભિવાદન કરીશ.
કાલે સાંજે ચા-પાર્ટી રાખેલી છે, તેમાં આપ સૌ પધારજો!”
‘આપ સૌ’ એટલે
ત્યાં ઉપસ્થિત હતાં તે અલ્લાહાબાદનાં જાણીતા લેખકો, કવિઓ અને પ્રાધ્યાપકો.
જતાં-જતાં સરોજિની કવિ બચ્ચનજીને ખાસ આમંત્રણ આપતાં ગયાં, “બચ્ચનજી, તમારે
તો બંને જણાંએ પધારવાનું છે.”
કવિ સાવ ભોળા માણસ હતાં; પૂછી નાંખ્યું, “કાલે અમારે ક્યાં આવવાનું છે?” કવિને અમે કે સરોજિની કોઈ અતિથિગૃહમાં રોકાયા હશે.
સરોજિનીએ જવાબ આપ્યો, “હું મારા ભાઈ જવાહરનાં ઘરે ઊતરી છું; આનંદભવનમાં.”
બીજા દિવસે સૌ આનંદભવનમાં પહોંચી ગયાં. ત્યાં સરોજિની બાજુમાં પં. નહેરુ અને કુ. ઇન્દિરા પણ બેઠા હતાં.
સરોજિનીએ પરિચય કરાવ્યો, “આ છે કવિ અને સાથે છે એમની કવિતા”
પં.
નહેરુનાં ચહેરા પર સ્મિત ખીલી ઉઠ્યુ હતું. ઈન્દિરાજીએ તેજીનો હાથ પકડી
લીધો; એમને બાજુમાં બેસાડી દીધાં. એ જ ક્ષણે બંને સુંદરીઓ સહેલી બની ગઈ.
પં. નહેરુએ કવિ બચ્ચનને પાસે બેસાડી લીધા પછી જીંદગીભર આ દોસ્તી નિભાવતા
રહ્યાં.
તેજીએ ઈન્દિરાને સલાહ આપી હતી ‘તારુ દિલ કહે તેજ કરજે’
તેજી અને ઈન્દિરા લાંબો સમય વાતો કરતાં રહ્યાં. ઈન્દિરાજીનાં ચહેરા પર તણાવ અને આંખોમાં ચિંતા હતી; તેજીએ કારણ પૂછ્યું.
ઈન્દિરા
પહેલી જ મુલાકાતમાં તાજી-તાજી સહેલી બનેલા તેજી ઉપર ભરોસો મૂકીને દીલની
વાત રજૂ કરી દીધી, “હું કોઈના પ્રેમમાં છું, પણ એ પારસી છે. ઘરમાં બધાં કહે
છે કે આપણો રૂઢિચુસ્ત સમાજ આવા આંતર- ધર્મિય લગ્નને સ્વીકારી નહી શકે. હું
અત્યંત મુંઝાયેલી છું. નક્કી નથી કરી શકતી કે શું કરું!”
તેજીએ
ચપટી વગાડતાંમાં જ ઈન્દિરાની મુંઝવણનો ઉકેલ બતાવી દીધો, “તારુ દિલ કહે તેજ
કરજે! હજુ એક જ મહિના પહેલા મારે પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
હું શીખ હતી અને બચ્ચનજી કાયસ્થ બ્રાહ્મણ. અલ્લાહાબાદમાં પણ વિરોધનો વંટોળ
ઊઠ્યો હતો અને મારા પિયરમાં પણ! તેમ છતાં અમે લગ્ન કરી લીધાં. આજે હું ખૂબ જ
ખુશ છું.”
આ ઘટના બની ફેબ્રુઆરીમાં. ઈન્દિરાજીએ નિર્ણય લઈ લીધો.
બીજા જ મહિને(માર્ચ ‘42માં) ઈન્દિરા નહેરુ અને ફિરોઝ ગાંધી પરણી ગયા.
સાદાઈથી યોજાયેલા આ લગ્નસમારંભમાં દેશ-વિદેશનાં ચૂંટેલા મહેમાનોને આમંત્રિત
કરાયા હતાં. સરોજિની તો હાજર હોય જ. બચ્ચન દંપતીને પણ નોતરુ હતું.
સરોજિનીએ
જાહેર કર્યું, “પ્રિયદર્શિની જ્યારે પ્રભુતામાં પગ મૂકી રહી છે ત્યારે હું
કવિ બચ્ચનજી અને તેજીને વિનંતી કરું છું કે તેઓ આપણી સમક્ષ એક ગીત રજુ
કરે!”
ટાંકણી પડે તોયે સંભળાય તેવા શાંત વાતાવરણમાં બચ્ચન દંપતીએ
એમના પ્રિય કવિ મિત્ર સુમિત્રાનંદન પંતની આ કવિતાનું ગાન શરૂ કર્યું, “વર્ષ
નવ, હર્ષ નવ, જીવન ઉત્કર્ષ નવ, નવ ઉમંગ, જીવનકા નવ પ્રસંગ....”
આ એ
જ કવિતા હતી, જે કવિ બચ્ચનજીએ તેજી સાથેની પ્રથમ મુલાકાત સમયે ગાઈ હતી.
અને એ જ કવિતા સાથે પ્રિયદર્શિની ઈન્દિરાજી પોતાનું લગ્નજીવન આરંભી રહ્યાં
હતાં.
એક અફવા હતી કે અમિતાભ ઈન્દિરાની ભલામણ ચિઠ્ઠીથી ફિલ્મલાઈનમાં ધૂસ્યા
“આ
ગણવેશમાં તેમ ખૂબ જ સુંદર લાગી રહ્યાં છો.” આવું એક સુંદર યુવતીને બીજી
સુંદર યુવતીએ કહ્યું. પછી કહેનારે જોયું કે સાંભળનારી સ્ત્રી પોતાની થઈ
રહેલી પ્રશંસાને સાચી માની રહી ન હતી. એટલે એણે ઉમેર્યું, “તમે માનતાં નથી
ને એનું કારણ એ છે કે તમે પોતે તમારી જાતને અત્યારે જોઈ શકતાં નથી.”
આવી સુંદર પ્રશંસા કરનાર એ યુવતી બીજું કોઈ નહીં, પણ સ્વંય ઈન્દિરાજી હતાં. અને જેના માટે તેઓ બોલી રહ્યાં હતાં તે હતાં તેજી બચ્ચન.
અલ્લાહાબાદમાં
એક લેડીઝ બ્રિગેડની રચના કરવામાં આવી હતી અને તેજીનાં નેતૃત્વ હેઠળ એક
પરેડનું આયોજન થયેલું હતું. પરેડ આનંદભવનની લોનમાં હતી. સલામી ઝીલવા માટે
વડાપ્રધાન પં. નહેરુ પધાર્યા હતાં.
તેજીએ સફેદ કૂર્તી અને ચૂડીદાર
સલવાર ધારણ કર્યા હતાં, ગાંધી ટોપી માથા પર એવી તીરછી અદામાં પહેરેલી હતી
કે એના કારણે તેજીનાં સૌંદર્યને ચાર ચાંદ લાગી જતાં હતાં. ખૂબસૂરત
ઈન્દિરાજીના મુખેથી પોતાની પ્રશંસા સાંભળીને તેજી શરમાઈ ગયાં.
આ બધી
વાતોની મને અને તમને જાણકારી ન હોય તે તદ્દન સ્વાભાવિક છે. હું જ્યારે
જામનગરની મેડિકલ કોલેજમાં ભણતો હતો ત્યારે મને ઘણાં બધાં પ્રશ્નો સતાવતા
રહેતા હતાં. મારી ડૉક્ટર બનવાની પ્રક્રિયા અને અમિતાભની સુપર સ્ટાર બનવાની
પ્રક્રિયા લગભગ એકબીજાને સમાંતરે ચાલતી હતી. અમિતાભ બચ્ચન માટે એક અફવા
ચાલતી હતી કે ઈન્દિરા ગાંધીની ભલામણથી તેઓ ફિલ્મ લાઈનમાં ઘુસ્યા?
‘આનંદ’નો
બાબુ મોશાય હવે જૂનો થઈ ગયો હતો. ‘ઝંઝીર’નો પોલીસ ઈન્સ્પેક્ટર એંગ્રી
યંગમેન બનીને પ્રજાના દિલમાં પોતાનું આસન જમાવી ચૂક્યો હતો. એ પહેલા હવામાં
અફવાની પાંખ ઉપર બેસીને ઘૂમરાતી રહેતી હતી કે આ માણસ તો દેશના વડાપ્રધાન
ઈન્દિરાજીની લાગવગથી ફિલ્મ-જગતમાં પાછલા બારણેથી ઘૂસી ગયો છે. ખ્વાજા એહમદ
અબ્બાસે શ્રીમતી ઈન્દિરા ગાંધીની ભલામણ ચીઠ્ઠી વાંચીને આ કઢંગા, લંબુજીને
‘સાત હિંદુસ્તાની’ ફિલ્મમાં કામ આપ્યું હતું. મારા બિનઅનુભવી દિમાગમાં સવાલ
ઊઠતો હતો: “ભારતના સર્વોચ્ચ સ્થાન પર બેઠેલી વ્યક્તિ આવા યુવાન માટે ભલામણ
ચિઠ્ઠી શા માટે લખી આપે?”
જ્યારે ‘કૂલી’નાં શૂટીંગ દરમ્યાન પૂનિત
ઈસ્સારનાં મૂક્કાથી ઘવાઈને અમિતાભ મરણનાં દ્વાર સુધી પહોંચી ગયો હતો,
ત્યારે ઓલ ઈન્ડિયા રેડિયો દિવસભર એના સ્વાસ્થ્ય વિષેનાં બુલેટિનો સંભળાવતો
રહેતો હતો; એમાં આ વાત અચૂક કાન પર અથડાતી રહેતી હતી: “આજે દેશના
પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીએ મુંબઈ પહોંચીને બિચ કેન્ડી
હોસ્પિટલમાં અમિતાભની મુલાકાત લીધી..”
ત્યારે પણ મારા મનમાં સવાલ
જાગતો હતો, “આ માણસની સાથે ઈન્દિરાજીને એવો તે કેવો સંબંધ હશે કે સગા
દિકરાના સમાચાર પૂછતાં હોય તેમ ઈન્દિરાજી એને જોવા માટે પહોંચી જાય છે!”
ઈન્દિરાની
હત્યા પછી તરતના કલાકોમાં સમગ્ર દેશની સાથે મેં પણ અમિતાભને સફેદ
વસ્ત્રોમાં દેહ પર શોલ વીંટાળીને પ્રિયદર્શિનીનાં મૃતદેહની બાજુમાં ગમગીન
ચહેરા સાથે ઊભેલા જોયા હતાં. ત્યારે પણ પ્રશ્ન આ જ હતો: “આટલી મોટી ફિલ્મ
ઈન્ડસ્ટ્રીમાંથી આવો અધિકાર માત્ર અમિતાભને જ શા માટે? દિલીપકુમાર કે બીજા
દિગ્ગજોને કેમ નહીં? એવો તે કેવો પારિવારિક સંબંધ બચ્ચન-ગાંધી પરિવારો
વચ્ચે હશે...?”
પછી દેશના વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધી જ્યારે રજાઓ
માણવા માટે મધ્યપ્રદેશ કે રાજસ્થાનનાં અભ્યારણો કે ઐતિહાસિક સ્થાનોએ જતાં
ત્યારે અખબારોમાં સમાચાર આવતાં હતાં: “વડાપ્રધાનનાં પરિવારને સાથ આપવા માટે
હિંદી સિનેમાનાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ પત્ની અને બાળકોને લઈને...”
ફરી
પાછો સવાલ ઊઠતો હતો: “આ બધી અમિતાભની માર્કેટિંગ સ્ટ્રેટેજી તો નહીં હોય!!
સુપરસ્ટાર તરીકેની પોતાની ઈમેજ જાળવી રાખવા ખાતર એ દેશનાં સર્વોચ્ચ પરિવાર
સાથે પોતાની નિકટતા છે એવું જગતને બતાવવા માટે તો આ બધું નહીં કરતા હોય!”
રાજીવ
ગાંધીની આંગળી ઝાલીને અમિતાભ અલ્લાહાબાદના સાંસદ બન્યાં, દેશની લોકસભામાં
બિરાજ્યા, બોફોર્સ કાંડમાં વગર વાંકે વગોવાયા; આ બધું જોઈ-સાંભળીને મને
પુનઃપુનઃ આ સવાલ થયા કરતો હતો, “રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચન વચ્ચે આટલી
ગાઢ દોસ્તી ક્યારે જન્મી હશે?”
“અબે મિલા લે હાથ, દોસ્ત! સિકંદરને અપની જીંદગીમેં બહોત કમ લોગોં કે સાથે હાથ મિલાયા હૈ!”
પછી
‘76માં સુપરસ્ટારની ફિલ્મ જોઈ. એ હતી ‘મુકદ્દર કા સિકંદર’ એમાં એક
મારામારીના દૃશ્ય પછી અમિતાભ બચ્ચન વિનોદ ખન્ના સામે દોસ્તીનો હાથ લંબાવે
છે. વિનોદ ખન્ના પળવાર માટે અચકાય છે. ત્યારે બચ્ચન સાહેબ પોતાની જગમશહૂર
ખૂમારી સાથે સંભળાવે છે, “અબે મિલા લે હાથ, દોસ્ત! સિકંદરને અપની જીંદગીમેં
બહોત કમ લોગોં કે સાથે હાથ મિલાયા હૈ!”
ત્યારે પણ મારા દિમાગમાં સવાલ ઊઠ્યો હતો: આ સંવાદ સિકંદર બોલી રહ્યો હતો કે અમિતાભ?
આટલા
વર્ષો પછી આ તમામ સવાલોનો જવાબ મળી ગયો છે. આ સંવાદનો જન્મ હકિકતમાં
ત્યારે થયો હતો જ્યારે માત્ર ચાર વર્ષનાં અમિતાભે બે વર્ષનાં રાજીવને
પોતાની જન્મદિવસની મહેફિલમાં પ્રથમ વાર જોઈને પોતાનો ડાબો હાથ એની તરફ
લંબાવ્યો હતો.
પછી જે પાંગરી એ દોસ્તી હતી, જય અને વીરૂની મૈત્રી
હતી, ધરમ અને વીરની જોડી હતી. ‘વો રાજા હૈ ઔર હમ પ્રજા હૈ’ એ વાતને હજુ
દાયકાઓની દેરી હતી.
Comments
Post a Comment