નામઃ માઇ નેઇમ ઇઝ એન્થોની ગોન્ઝેલ્વીસ
સરનામું રૂપનગર, પ્રેમ ગલી, ખોલી નં.- 420
કઇ રીતે બન્નેના દિલમાં ફૂટ્યા પ્રેમના અંકુરને મળી ગયો સ્ટાર ઓફ ધી મિલેનિયમ?
કવિ
હરિવંશરાય બચ્ચન અને તેજીની પ્રથમ મુલાકાત જે દિવસે થઇ તે તારીખ હતી
31-12-41. બચ્ચનજી ત્યારે અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના
વ્યાખ્યતા તરીકે તાજા જ જોડાયા હતા. તેજી સૂરી લાહોરની ફતેહચંદ કોલેજમાં
સાયકોલોજી ભણાવતાં હતા. અલ્હાબાદના કવિ અને લાહોરની જીવતી-જાગતી કવિતા,
બન્ને મળ્યા બરેલીમાં. ઝુમખા ગિરા રે બરેલી કે બાઝારમે!
વિદાય તેલા
વરસનો અંતિમ દિવસ હતો. બચ્ચનજીના ગાઢ મિત્ર જ્ઞાનપ્રકાશ જૌહરીના
નિવાસ-સ્થાને ચંદા અને ચકોરીનું મિલન થયું. તેજીનો પરિચય બચ્ચનજીની કવિતાની
પ્રશંસક તરીકે આપવામાં આવ્યો. પણ એ અર્ધસત્ય હતું. વાસ્તવમાં જ્ઞાનપ્રકાશ
જૌહરી પોતાના કવિ મિત્રનુ ઊજડી ગયેલુ ચમન ફરીથી આબાદ કરી આપવાની ફિરાકમાં
હતા.
સામા પક્ષે બચ્ચનજી ખુદ હતાશાની તમામ સરહદો વટાવીને સ્ત્રી,
પ્રેમિકા કે પત્ની જેવા તમામ સંબંધોથી જોજનો જેટલા દૂર જઇને બેસી ગયા હતા.
એમની
માનસિક હાલતનો અંદાજ એ વાત પરથી આવી શકશે કે જ્યારે તેજી જેવી સ્વરૂપવાન
યુવતીએ એમના કાચની સુરાહી જેવા ગળામાંથી મદભર્યા સ્વરે અનુરોધ ઠાલવ્યો,''
અજી, કુછ સુનાઇએ ના?'' ત્યારે 'મધુશાલા'નો એકાદ જામ ઠાલવી દેવાને બદલે
બચ્ચનજીએ આ પંક્તિઓ સંભળાવી દીધી...
'' ઇસી લિયે સૌંદર્ય દેખ કર,
શંકા યહ ઉઠતી તત્કાલ,
કહીં ફંસાનેકો તો મેરે,
નહીં બિછાયા જાતા જાલ,''
એ
પછી આંખોએ આંખો સાથે શી-શી વાતો કરી હશે એનો કોઇ જ હિસાબ-કિતાબ ઉપલબ્ધ
નથી. પણ એટલું ચોક્કસ કે માત્ર ત્રણ મહિનાની કુમળી વયે જનેતાને ગુમાવી
ચૂકેલી તેજી નામની વિદૂષી કન્યાએ આ બળેલા-ઝળેલા કવિને એટલી ધરપત તો અવશ્ય
આપી જ હશે કે ' હું તમને ક્યારેય પડવા નહીં દઉ!'
કવિની હાલત પણ એવી જ
હતી. આ ગોળ-ગોળ ચહેરો, આ મોટી, કાળી તેજભરી આંખો, આ તીણું નાક અને મોગરાની
કળી જેવી શ્વેત ત્વચા ધરાવતી કુંવારી યુવતીએ કવિને ખુદનેય ખબર ન પડે એવી
રીતે એમનું હૃદય-સિંહાસન કબજે કરી લીધું
પ્રથમ પત્ની શ્યામાનાં અકાળ
મૃત્યુંએ આપેલો કારમો ઝખમ એકાએક રૂઝાવા માંડ્યો. બચ્ચનજીની કલમમાંથી
સ્વર્ગસ્થ પત્નીને સંભાળવા માટેની દલીલ ટપકવા લાગી...
જીવનમેં મધુકા પ્યાલા થા,
તુમને તન-મન દે ડાલા થા,
વો ટૂટ ગયા તો ટૂટ ગયા.મદિરાલયકા આંગન દેખો,
કિતને પ્યાલે હિલ જાતે હૈ!
ગીર મિટ્ટીમેં મિલ જાતે હૈ
જો ગીરતે હૈ, ખુદ ઉઠતે હૈ?
પર બોલો! ટૂટે પ્યાલો પર,
કબ મદિલાલયે પછતાતા હૈ?
જો બિત ગઇ, સો બાત ગઇ.
--------------------
એ
રાત કતલની રાત હતી. ઘરનાં માલિક જ્ઞાનપ્રકાશ જૌહરી અને એમના પત્ની પ્રેમા
કોણ જાણે ક્યારે ઓરડામાંથી સરકી ગયા! હવે ત્યાં માત્ર બે જ જણાં હાજર હતા.
કવિ બચ્ચનજી અને તેજીજી. એ આખી રાત કવિ સ્વરચિત કાવ્યો સંભળાવતા રહ્યાં.
તેજી પોતાનાં પ્રિય કવીના જીવનની વેદના સાંભળીને રડી પડ્યાં. બન્ને
સંવેદનશીલ આત્માઓ એક-મેકને દિલનું દાન દઇ બેઠા.
બીજા દિવસે બગીમાં
બેસીને બન્ને જણા બરેલીની સહેલ માણવા નીકળી પડ્યાં. બચ્ચનજીને તે સમયે
લાગ્યું કે આ યુવતી જ્યારે હસે છે, ત્યારે જાણે મોતી ઝરે છે. એમની છાતીમાં
જામે મુલાયમ પીંછુ ફરવા માંડ્યું અને કવિતાને વધુ એક અંતરો બંધાવા
લાગ્યો....
જીવનને વો થા એક કુસૂમ,
થે ઉસ પર નીત્ય-નીછાવર તુમ,
વો સુખ ગયા તો સુખ ગયા.
મધુબનકી છાતી કો દેખો,
કિતની સુખી ઇસકી કલિયા!
મુરઝાઇ કિતની વલ્લરીયાં!
ઝો સુખ ગઇ ફિર કહાં ખીલી?
પર બોલો! સુખે ફુલોં પર,
ફુલ મધુબન શોર મચાતા હૈ?જો બિત ગઇ, વો બિત ગઇ.
તેજી
હસતાં હતાં ત્યારે કવિ બચ્ચનના મનમાં આ વિચાર ઘુમરાતો હતો. '' જે
સ્ત્રીનું હાસ્ય આવું નિર્દોષ હોય, આવું સુંદર હોય, તેની પાસે દુઃખ દર્દ
ફરકી જ ન શકે. જો આ યુવતીનો સાથ મને મળી જાય તો મારા જીવનનું દુઃખ અને
એકલતા દૂર થઇ જાય.''
પૂરા ચાર દિવસ બન્નેએ સાથે ગુજાર્યા. મનોમન
જીવનસાથી બની રેહવાના વચનની આપ-લે થઇ ગઇ. પછી તેજીજી નોકરીમાંથી છૂટા થવા
માટે લાહૌર પાછાં ફર્યાં. બચ્ચનજી પણ અલ્હાબાદ રવાના થયા. આ ચાર દિવસના
પરિચયે એમને એકબીજાથી એટલા તો નિકટ લાવી દીધા હતા, કે આ થોડાંક દિવસો
માટેનો વિરહ એમને મન અસહ્ય થઇ પડ્યો્.
અંતે એ શુભ દિવસ આવી પહોંચ્યો
જેનુ ભાવિ પરિણામ હિન્દી ફિલ્મજગતને એક અણમોલ ભેટ ધરવાનું હતું. તા
24-1-42ના દિવસે કવિ બચ્ચનજી અને તેજીએ લગ્નની ગાંઠમાં બંધાઇને પ્રભૂતાનો
પ્રારંભ કર્યો.
આ સાચા અર્થમાં એક સહજીવનની શરૂઆત હતી, જેમાં પુરુષ
અને સ્ત્રી બન્નેનો પચાસ-પચાસ ટકા ફાળો રહેવાનો હતો. લગ્નનો કુલ ખર્ચો આઠસો
રૂપિયા હતો, એમાં પણ ફીફટી-ફીફટી ટકાવારી જાળવવામાં આવી હતી. ચારસો રૂપિયા
કવિએ કાઢ્યા હતા, ચારસો રૂપિયા તેજીજીએ! આ લગ્ન રજીસ્ટર-મેરેજ હતું.
કવિ
હજુ પણ પ્રથમ પત્નીને પૂરેપૂરા ભૂલી શક્યા ન હતા. તેજીનાં તેજભર્યા
ચહેરાની પાછળ શ્યામાનો ફિક્કો, બિમાર ચહેરો હજૂ પણ દેખાતો હતો. કવિ પોતાની
જાતને ઉદ્દેશીને આ પ્રશ્ન પ્રશ્ન પૂછી બેસતા હતા.'' શુ આ પૂનર્લગ્ન એ
પૂણ્યલગ્ન છે ખરું? મેં શ્યામાનો દ્રોહ કર્યો છે એવું તો નથી ને?
સ્વર્ગલોકમાંથી શ્યામા જાણે કે જવાબ સૂઝાડી રહી હતી....
વો કચ્ચા પીનેવાલા હૈ,
જીસકી મમતા મધુપ્યાલો પર,
જો સચ્ચા પીનેવાલા હૈ,
કબ રોતા હૈ, ચિલ્લાતા હૈ?
-જો બિત ગઇ, સો બાત ગઇ.
તેજીજી
સાથેની મુલાકાત પછી કવિએ સમયનો સહેજ પણ બગાડ કર્યો નહીં. પ્રથમ મુલાકાત
પછીના માત્ર ચોવીસમાં દિવસે તો એ પરણી ગયા! એવી જ ઝડપ સંતાન-પ્રાપ્તિ માટે
પણ એમણે દાખવી બતાવી.
લગ્નના નવ મહિના પૂર્ણ થાય તે પહેલાં જ પ્રથમ
બાળકને ધરતી ઉપર લાવી દીધું. સાડા આઠ મહિનાની ગર્ભાવસ્થા બાદ અવતરેલા
પુત્રને જોઇને કવિ હર્ષવિભોર બની ગયા. એ દિવસે હિન્દીના સુખ્યાત કવિ
સુમિત્રાનંદન પંતજી એમના ઘરે મહેમાન તરીકે આવેલા હતા.સાંજે બંન્ને કવિઓ
ડો.બ્રારના નર્સિંગ હોમમાં ગયા. નવજાત બાળક તેજીજીની બાજુમાં સુતેલું હતું.
પંતજી અપલક નેત્રે એને જોઇ રહ્યા એમના મોંમાંથી શબ્દો સરી પડ્યાં.''
બચ્ચન, એ કેટલો શાંત છે! જાણે ધ્યાનમગ્ન અમિતાભ!''
તેજીજીનાં મનમાં આ
નામ ચોંટી ગયું. બચ્ચનજીના બીજા એક મિત્ર અમરનાથ ઝાનું એવું સુચન હતું કે,
1942ની આઝાદીની લડાઇને ધ્યાનમાં રાખીને આ બાળકનું નામ રાખવું જોઇએઃ
ઇન્કિલાબ આઝાદ.
પરંતુ માતા-પિતા બન્નેએ પળવારમાં નિર્ણય લઇ લીધોઃ '' આપણાં દીકરાનું નામ અમિતાભ રહેશે.''
જે દિવસે પુત્રનો જન્મ થયો, તે જ દિવસે એનું નામકરણ પણ થઇ ગયું. પણ આ બાળકના હજુ તો કેટલાં બધાં નામ પડવાના બાકી હતા?!
મિ.બચ્ચન,
અમિત, બાબુ મોશાય, લંબુજી, શહેનશાહ, સરકાર, સુપરસ્ટાર, સ્ટાર ઓફ ધી
મિલેનિયમ, ડોન, મહાનાયક, બિગ બી અને હવે ડો. અમિતાભ બચ્ચન!
અને કવિ
પંત મહાશયને જે શિશુની શાંત મુખમુદ્રામાં ધ્યાનમગ્ન ભગવાન બુદ્ધના દર્શન
થયા હતા, તે જ બાળક ભવિષ્યમાં હિન્દી ફિલ્મોના રૂપેરી પડદાને પતાના આ અનોખા
નામ વડે ધ્રુજાવી દેવાનો હતો એ વાતની કલ્પના પણ કોને હતી!
ફિલ્મ
'અમર, અકબર, એન્થોની'માં આ ધ્યાનસ્થ બુદ્ધનું નવું નામ અને સરનામું આવું
રહેવાનું હતું... ''માય નેઇમ ઇઝ એન્થોની ગોન્ઝેલ્વીસ! રૂપનગર, પ્રેમગલી,
ખોલી નંબરઃ 420!''
Comments
Post a Comment