“આજ ખુશ તો બહોત હોંગે તુમ.”
“તમારો
જમાઈ તો શરાબી, વ્યાભિચારી, જુગારી અને નિદૃય છે.” આ ‘પ્રશંસા’ભર્યા શબ્દો
બીજા કોઈ માટે નહીં, પણ અમિતાભ બચ્ચનનાં પિતા કવિ શ્રી હરિવંશરાય બચ્ચન
માટે ઉચ્ચારેલા હતાં. સાંભળનાર હતાં કવિનાં સસરાજી ખઝાનસિંહ સૂરી. બોલનારા
પણ અંગત અને વિશ્વાસપાત્ર માણસો હતાં.
“ન હોય !” ખઝાનસિંહને આઘાત
લાગ્યો, “મારી દિકરી તેજી ખૂબ તેજસ્વી છે, એ માણસને પસંદ કરવામાં થાપ ખાય
તે હું ન માની શકું. તમે કહો છો એ વાતની સાબિતી છે તમારી પાસે?”
“સાબિતીમાં
આ કવિતા-સંગ્રહ! એનું કોઈપણ પાનું ખોલો એટલે તેમને ખાતરી થઈ જશે કે
જમાઈરાજ કેવા પિયક્કડ છે!” કહીને પેલા માણસે ખઝાનસિંહનાં હાથમાં કવિએ લખેલો
કાવ્યસંગ્રહ મૂકી દીધો. એનું શીર્ષક હતું: મઘુશાલા.
ખઝાનસિંહ સૂરી
બેરિસ્ટર હતાં, શીખ હતાં. એમનું મૂળ વતન રાવલપિંડી હતું. સરદાર ખઝાનસિંહે
બે વાર લગ્નો કર્યા હતાં. પ્રથમ પત્નીથી એક પુત્રી થઈ હતી; બીજી પત્નીથી
ત્રણ પુત્રીઓ. આ બધી દિકરીઓમાં તેજી સૌથી નાની હતી.
વિલાયતમાંથી
બેરિસ્ટર થઈને પરત આવ્યાં બાદ ખઝાનસિંહે લાયલપુરમાં વકિલાત કરી. અત્યારે
એનું નામ ફેઝલાબાદ છે અને તે પાકિસ્તાનમાં છે. તેજીનો જન્મ લાયલપુરમાં થયો
હતો. વર્ષો સુધી વકિલાત કર્યો પછી ખઝાનસિંહે પતિચાળાનું દિવાનપદ સંભાળ્યું.
એમાંથી નિવૃત થયાં બાદ તેઓ લાહોર ચાલ્યા ગયાં. જ્યારે તેજી ફત્તેહચંદ
કોલેજમાં નોકરી કરતાં હતાં, ત્યારે ખઝાનસિંહ મીરપુરમાં રહેવા લાગ્યાં.
જ્યારે
તેજીએ હરિવંશરાય સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે ખઝાનસિંહને ભાવિ
જમાઈ વિશે કશી જ જાણકારી ન હતી. બંનેનાં ધર્મ જુદા હતાં, આર્થિક સ્થિતિઓ પણ
જુદી હતી. ખઝાનસિંહ પાસે એટલી બધી સંપત્તિ હતી કે લોકો ખાનગીમાં એમને
‘ખઝાનાસિંહ’ કહેતા હતાં.
પ્રેમલગ્ન કર્યાં પછી તેજી સૂરી તેજી
બચ્ચન બની ગયાં. પિતાનો રાજમહેલ છોડીને પતિનાં અલ્લાહાબાદ સ્થિત ભાડાનાં
મકાનમાં આવી ગયાં. એક વર્ષનું લગ્નજીવન પુરુ થાય તે પહેલા જ એક દીકરાની
જનેતા બની ગયાં, દીકરાનું નામ રાખ્યું અમિતાભ. ઘરમાં બધાં એને મુન્નો કહીને
બોલાવે.
1943માં અમિત નાનો હતો ત્યારે કવિ બચ્ચનજીને લશ્કરી તાલીમ
અર્થે મહુ જવાનું થયું. છ અઠવાડિયા માટે મહુ ખાતે રહેવાનું હતું. તેજી
મૂંઝાયાં, “ તમારા વગર હું એકલી અહીં રહીને શું કરીશ? એના કરતાં મુન્નાને
લઈને થોડાક દિવસ મીરપુર જઈ આવું”
કવિએ હા પાડી. લગ્ન પછી તેજી
પ્રથમવાર પિતાનાં ઘરે ગયાં. પણ ત્યાં ગયાં પછી એમને જાણવા મળ્યું કે પિતાજી
એમનાં વિષે ખૂબ જ ચિંતીત હતાં. ખઝાનસિંહ દીકરીનાં ચહેરા અને હાથ ઉપર
મારનાં નિશાન શોધી રહ્યાં હતાં.
તેજી હસી પડ્યાં, “તેમને કોણે ભરમાવ્યા છે? હું તો અત્યંત ખુશ છું. તમે જોતાં નથી કે મારું તો વજન પણ વધેલું છે?!”
હકીકત
એ હતી કે ખઝાનસિંહની અન્ય દીકરીઓ તથા જમાઈઓ એવું ઈચ્છતા ન હતાં કે
પ્રેમલગ્ન કરનારી આ ચોથી દિકરી ખઝાનસિંહનાં વારસામાંથી પોતાનો હિસ્સો
માંગે, માટે જ એમણે કવિ બચ્ચનજી વિષે ખઝાનસિંહનાં દિમાગમાં આડી-અવળી અફવાઓ
ઠાલવી દીધી હતી.
તેજીજી જૂદી જ માટીનાં બનેલા હતાં. એમને પતિ પણ એવો
મળ્યો હતો કે જે સરસ્વતીનો ઉપાસક હતો, લક્ષ્મીનો પૂજારી નહીં.એમણે પિતાને
જણાવી દીધું, “મારે તમારી દૌલતમાંથી એક ફુટી કોડી પણ જોઈતી નથી, મને માત્ર
બે જ વસ્તુઓ આપો, એક મારું પ્રિય થાળીવાજું અને બીજો મારો માનીતો નોકર
સુદામા. આ બંને ચીજો પણ હું મારા માટે નહીં, મારા મુન્ના માટે માંગુ છું.”
થાળીવાજું
એટલે ગ્રામોફોન. તેજીજીને સંગીત સાંભળવાનો તીવ્ર શોખ હતો. આ શોખ એણે
અમિતને વારસામાં આપ્યો. નાનો અમિત જ્યારે પણ રડતો, તેજી તરત જ ગ્રામોફોનની
ચાલી ભરીને એની રેકોર્ડ બજાવતાં; મુન્નો તરત જ છાનો રહીને ઊઘી જતો હતો. આજે
પણ અમિતાભ બચ્ચનનાં જીવનમાં સંગીતનો શોખ પચાસ ટકા જેટલો ભાગ રોકી લે છે.
“અને સુદામા શા માટે?” ખઝાનસિંહે પૂછ્યું.
“મુન્નાને
સાચવવામાં સરળતા રહે તે માટે.” તેજીની બંને માગણીઓ પિતાએ સ્વીકારી
લીધી.થોડાક દિવસ મીરપુરમાં ગાળીને તેજી અલ્લાહાબાદ પરત ફર્યા; દહેજમાં
માત્ર બે જ ચીજો લઈને એમણે પોતાનો તમામ વારસા-હક જતો કર્યો. માતા-પિતાની
આવી મનોવૃત્તિએ અમિતાભને ખુમારી અને ખુદ્દારીનાં સંસ્કારો આપ્યાં.
અમિતાભને
આ જગતમાં સૌથી વધારે પ્રિય કોણ હશે? આજે તો એ જાહેર વ્યક્તિ બની ચૂક્યા
છે. સંબંધોની બાબતમાં બહું સમૃદ્ધ માણસ છે. સંસ્કારી પત્ની, સુંદર
સ્ત્રી-મિત્રો, તેજસ્વી સંતાનો અને અસંખ્ય મિત્રો. ચાહકોની સંખ્યા તો
કરોડોમાં થવા જાય છે. માજી પ્રધાનમંત્રીથી ઉત્તર પ્રદેશનાં માજી
મુખ્યમંત્રી સુધીનો એમનો મિત્રવર્ગ છે.
પણ લાગણીનાં દરિયામાં એમને
સૌથી વધુ ગમતું મોતી કયું એ તમે જાણો છો? બીજું કોઈ નહીં પણ, પણ એમનાં પિતા
હરિવંશરાય બચ્ચન. અત્યંત ભોળા દિલનાં, મિતભાષી અને સરળ સ્વભાવનાં કવિનું
સ્થાન અમિતજીની જીંદગીમાં ઈશ્વર કરતાંયે એક ડગલું આગળ છે.
‘કૌન
બનેગા કરોડપતિ’ કાર્યક્રમમાં જ્યારે અમિતાભ ‘ફોન એ ફ્રેન્ડ’વાળી
લાઈફ-લાઈનનાં ઉપયોગ વખતે એમનાં ઘૂંટાયેલા અવાજમાં કોઈને ફોન કરે અને કહે કે
“મૈં અમિતાભ બચ્ચન બોલ રહા હૂં કૌન બનેગા કરોડપતિ સે...” અને સામેના છેડે
વીજળીનો કરન્ટ લાગ્યો હોય તેવી અસર પેદા થઈ જાય. આપણે અસંખ્યવાર જોયું છે
કે અમિતજીનો ફોન આવે એટેલ ‘રિસીવ’ કરનાર ધન્ય થઈ જાય. પોતે અમિતજીનાં કેટલા
મોટા ફેન છે એની સાબિતીઓ આપવા માંડે. જવાબમાં અમિતાભ પૂરી વિનમ્રતા સાથે
‘જી...! જી...!’ કહીને એનો આભાર માનતાં રહે.
પણ એક એપિસોડમાં કંઈક
જૂદું જ બન્યું. એક યુવતીએ એમનો અવાજ સાંભળીને રોમાંચિત સ્વરમાં બોલી
નાંખ્યું, “અમિતજી મૈં આપકી નહીં, લેકીન આપકે પિતાજી કવિ બચ્ચનજીકી બડી
‘ફેન’ હૂં. ઉનકી બહોત સારી કવિતાએં મુજે કંઠસ્થ હૈ.”
ત્યારે અમિતાભ
ગદ્દગદ્દ થઈ ગયાં હતાં. સંવાદોનાં આ શહેનશાહ પાસે શબ્દો ખૂટી ગયાં હતાં અને
ઘેઘૂર અવાજનાં માલિકનો અવાજ તૂટી ગયો હતો, “જબ આપને બાબુજીકા નામ લે લિયા
હૈ તો અબ મૈં ક્યા બોલ સકતા હૂં?” આ સવાલમાં ડૂમાની અંદર ઓગળેલો પિતૃપ્રેમ
વર્તાતો હતો.
આવી ગાઠ આત્મિયતાનું કારણ શું છે? મા-બાપ સાથેનો
સંતાનનો આત્મિય નાનો રોજીંદી બાબત છે; પણ અમિતાભ અને કવિ બચ્ચનજી વચ્ચેની આ
અસામાન્ય ઘનિષ્ઠતાનું મૂળ શેમાં રહેલું છે?
ચાલો એ ખાસ સંબંધનું પગેરું તપાસીએ...
..........
કોઈએ
કહ્યું છે કે મોરનું એક પીંછું શોધતાં- શોધતાં ગોકુળમાં પહોંચી જવાય છે. આ
જ વાત સંબંધોને લાગુ પડે છે. અમિતાભની પિતૃભક્તિનું પગેરુ શોધવા બેસીએ તો
આપણે ઈ.સ. 1944ની સાલમાં પહોંચી જઈએ છીએ.
મુન્નો ત્યારે બે વર્ષનો
હતો. એને ભયંકર મેલેરિયા લાગુ પડ્યો, ભારે તાવ, જોરદાર ઠંડી ચડે. ગમે તેટલી
દવાઓ કરાવ્યા પછી પણ તાવ મચે નહીં. કવિ બહારગામ હતાં. મહુ નામના ગામે
લશ્કરી તાલીમ માટે ગયાં હતાં. ઘરમાં તેજી એકલાં હતાં. તેજીજીનો પત્ર મળ્યો,
“મુન્નો ખાતો નથી, પીતો નથી, એનું વજન ઘટતું જાય છે. ડૉક્ટરોએ એના બચવાની
આશા છોડી દીધી છે.”
કવિ અતિશય ચિંતીત બની ગયાં, ત્યારે ટેલીફોનની સુવિધા હતી નહીં. એમનાથી ટ્રેનિંગ અધૂરી છોડીને દીકરાની પાસે જઈ શકાય તેમ ન હતું.
એક
રાત્રે અત્યંત હતાશાની હાલતમાં કવિ બચ્ચન એમના તંબુની બહાર આવ્યાં. ખૂલ્લા
આસમાન નીચે જઈને બેસી ગયાં. અચાનક એમને બાબર અને હુમાયુની કથા યાદ આવી ગઈ.
જ્યારે હુમાયું નાનો હતો અને જીવલેણ માંદગીમાં પટકાયો હતો, ત્યારે હકીમોએ
એના બચવાની આશા ત્યજી દીધી હતી. એ વખતે મહાન મોગલ બાદશાહ બાબર એક સમ્રાટ
મટીને સામાન્ય બાપ બની ગયો હતો. અલ્લાહને યાદ કરીને એણે યાચના કરી હતી, “હે
પરવરદિગાર જો તારે જિંદગી છીનવી જ લેવી હોય તો તું મને ઉપાડી લે પણ મારા
દીકરાને સાજો કરી દે!”
ઈતિહાસ સાક્ષી પૂરી છે તે દિવસ પછી હુમાયું
ધીમે-ધીમે સાજો થતો ગયો અને બાબર માંદો પડતો ગયો. અંતે બાબરનું મૃત્યુ
થયું. દિકરો જીવી ગયો.
‘44ની એ ઘનઘોર અંધારી રાતે કવિ બચ્ચનજી
વિચારી રહ્યાં-’ શું આવું બનતું હશે ખરું? કોઈ એવી સર્વોચ્ચ શક્તિ છે ખરી
જે હૃદયમાંથી ઊઢેલી સાચી પ્રાર્થનાને સાંભળી શક્તી હશે?”
એ મઘરાતે
બચ્ચનજીએ સંકલ્પ કર્યો, “હે ઈશ્વર જો તુ મારા અમિતને સાજો કરી દઈશ તો
બદલામાં હુમ મારી પ્રિયમાં પ્રિત ચીજનો ત્યાગ કરી દઈશ. હું જિંદગીમાં
ક્યારેય શરાબપાન નહીં કરું!”
ચત્કાર ગણો,દવાની અસર ગણો કે માત્ર યોગાનુયોગ; કહો બે દિવસ પછી અલ્લાહાબાદથી ટપાલ આવી. તેજી લખતાં હતા : “મુન્નાનો તાવ ઊતરી ગયો છે.”
કોઈ
કોરો બુધ્ધિવાદી એવી દલીલ કરશે કે ભગવાન માત્ર કંઈ આવી સોદાબાજીને
સ્વીકારતો હશે! આવી દલીલનો જવાબ માત્ર કવિ જ આપી શકે.ગુજરાતી શાયર જલન
માતરી લખે છે:
“શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુર્રાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી!”
..............
આવું
જ એ પછી અજિતાભની માંદગી વખતે બન્યું હતું. અમિતાભથી સાડા ચાર વર્ષ નાનો
અજિતાભ ભયંકર તાવમાં સપડાયો હતો.એનું ઘરનું નામ બંટી હતું. જ્યારે ડૉક્ટરોએ
હાથ ઊંચા કરી દીધો ત્યારે ફરી પાછી સારવારની ઉપર શ્રધ્ધાએ આસન સ્થાપી
દીધું, દવાનું સ્થાન દુવાએ લઈ લીધું: ફરીથી એક બાપ દીકરાની જિંદગીના
બદલામાં ઈશ્વરની સાથે સોદાબાજી પર ઊતરી આવ્યો. આ વખતે એમણે પોતાની બીજી એક
મનગમતી ચીજનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. એ વસ્તુ હતી: માસાંહાર. બંટી
ચમત્કારીક રીતે સાજો થઈ ગયો.
કવિ બચ્ચનજી પ્રતિજ્ઞા-પાલનની બાબતે બહુ પાક્કા હતાં. જિંદગીભર એમણે શરાબ કે માસાંહારી વાનગીને હાથ ન અડાડ્યો.
અમિતાભને
બે વર્ષની કૂમળી વયે તો આ બધું ક્યાંથી સમજાય? પણ જેમ-જેમ તે મોટો થતો ગયો
અને આ ઘરનાં વિષે સાંભળતો, જાણતો અને સમજતો ગયો, ત્યારે એને સમજાતું ગયું
કે પિતા એને કેટલો તીવ્ર પ્રેમ કરતા હતાં!
એમાં પણ ‘મધુશાલા’ વાંચ્યા પછી અમિતાભને સમજાયું કે પિતાજીનો ત્યાગ કેટલો મોટો હતો?! ‘મધુશાલા’નો કવિ ક્યારેય મદ્યને ત્યાગે ખરો?
.............
ફિલ્મ
‘દીવાર’નાં ક્લાઈમેક્સ દ્રશ્યમાં અમિતાભ ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભો રહીને
જે સંવાદ બોલે છે તે ફિલ્મોના ઈતિહાસનું અમર દ્રશ્ય બની ગયું છે. એમાં
અમિતાભ આ રીતે શરૂ કરે છે: “આજ ખુશ તો બહોત હોંગે તુમ!”
અને પછી
એકીશ્વાસે બોલાયેલા એ ઠપકાભર્યા સંવાદમાં અમિતાભ કહે છે કે જે માણસે
ક્યારેય તારી સામે હાથ લંબાવ્યો નથી એ આજે તારી ચૌખટ ઉપર ઊભો છે.
આ
દ્રશ્યનું મૂળ કવિ બચ્ચનજીની વીતેલી જિંદગીમાં રહેલું છે. કવિએ ક્યારેય
ભગવાન સમક્ષ હાથ લાંબો કર્યો ન હતો. પ્રકૃત્તિએ તેઓ ખૂબ જ સંતોષી જીવ હતાં.
દીકરાની બિમારીએ એમને મજબૂર કરી દીધા. કવિ ભલે આવું બોલ્યા નહીં હોય, પણ
એમની પ્રાર્થનામાં ભાવ તો આવો જ હશે: “આજ ખુશ તો બહોત હોંગે તુમ.”
Comments
Post a Comment