નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અમિતાભ બચ્ચન પ્રકરણ-10

“સિર્ફ માનતા નહીં મૈં જાનતા હૂં, કિ યે કામ મૈં અકેલા હી કર સકતા હૂં.”- અમિતાભ : દીવાર

એક એવી ઘટના, જેણે દેશને આપ્યો સ્ટાર ઓફ મિલેનીયમ

કોઈપણ માણસની સફળતા કે સિદ્ધિ સામેના માણસનાં મનમાં ઈર્ષાને જન્મ આપે છે. આ મારો ને તમારો રોજીંદો અનુભવ છે. આપણે તો હજુ સુધી એવી કોઈ મહાન સિધ્ધિઓ મેળવી નથી; માત્ર નાનકડાં ખાબોચિયામાં થોડીક કૂદાકૂદ કરી છે. તો પણ આપણી ઈર્ષા કરનારાઓ મળી આવે છે. અમિતાભે તો સફળતાનાં ગુરૂશિખરો સર કર્યા છે. એની ઈર્ષા કોઈ નહીં કરતું હોય?

અમિતજીએ ખુદ એકવાર કહેલું છે કે ઈર્ષા શબ્દનો પૂરો અર્થ સમજવા માટે તમારે મારા બાબુજીને મળવું પડે. બાબુજી એટલે કવિ હરિવંશરાય બચ્ચન.

કવિ બહુ ભોળા માણસ હતાં. બાળક જેવા નિર્દોષ. એમના મનમાં એવું હતું કે પોતે ઈંગ્લેન્ડથી ડૉક્ટરેટ લઈને આવ્યા છે એટલે કૉલેજમાં એમનો માન મરતબો વધી જશે, કામની બાબતે પ્રમોશન મળશે, પગારમાં વધારો થશે અને સાથી અધ્યાપકો એમને ‘ડૉ. બચ્ચન’ કહીને બોલાવશે.

એને બદલે ઊલટું જ બન્યું. પહેલા જ દિવસે પ્રીન્સપાલે એમને જણાવી દીધું, “તમારી વિદેશી ડીગ્રીનું અમારે મન જરા પણ મૂલ્ય નથી. તમને એક પૈસાનોય પગાર વધારો નહીં આપવામાં આવે. ગો ટુ યોર ક્લાસરૂમ!”

કવિએ ડરતાં-ડરતાં માંગણી કરી, “હું પગારવધારો ભલે  ન ઈચ્છું પણ કામનાં પ્રકારમાં તો બઢતી ઈચ્છું ને?”

“મતલબ?”

“અત્યાર સુધી હું બી.એ.નાં વિદ્યાર્થીઓને ભણાવતો હતો; હવે હું ઈચ્છું છું કે એમ.એ.નાં વિદ્યાર્થીઓને ભણાવું. મેં અંગ્રેજ કવિ ઈટ્સનાં સાહિત્ય ઉપર ડૉક્ટરેટ કરેલું છે.”

“સોરી, તમારે બી.એ.નો જ ક્લાસ લેવાનો છે. તમારા પી.એચ.ડી.નું અમારે કંઈ કામ નથી.”

અપમાનિત થયેલા કવિ બહાર આવ્યાં. જોયુ તો એમની સાથે નોકરી કરતાં એક પણ અધ્યાપકે એમને અભિનંદન ન પાઠવ્યા. આટલા બધાં મહિનાઓ પછી બચ્ચનજી પાછા ફર્યા હતાં, તેમ છતાં કોઈએ સામાન્ય શિષ્ટાચાર ખાતર ‘કેમ છો?’ એટલુંયે ન પૂછ્યું.

કવિએ યુનિવર્સિટીને વિનંતી કરી, “મારો પી.એચ.ડી. માટેનો શોધનિબંધ તૈયાર છે એને માટે પુસ્તક સ્વરૂપે છપાવવો છે. મારી પાસે પૈસા નથી; જો યુનિવર્સિટી તરફથી મને પચાસ ટકા ખર્ચ આપવામાં આવે તો બાકીનાં પચાસ ટકા હું ભોગવી લેવા તૈયાર છું.”

યુનિવર્સિટીમાં બેઠેલા અમલદારો પણ છેવટે તો ‘માણસો’ જ હતાં ને! કહી દીધું, “એવા શોધનિબંધો તો અહીં ઠેબે ચડે છે. અમે કેટલાં પુસ્તકો છપાવી આપીએ? તમારા વિદેશી ડૉક્ટરેટને બદલે અહીંના ડૉક્ટરેટને અમે પ્રાધાન્ય આપીશું. તમે એવું માનો છો કે વિલાયત જઈને તમે કોઈ મોટી ધાડ મારી આવ્યા છો?”

કવિ નિરાશ થઈ ગયાં. ઘરે આવીને તેજી સમક્ષ ભાંગી પડ્યાં, “હું આટલી હિંમત કરીને વિલાયત ગયો, તેં બાળકોને આટલી બધી અગવડો વેઠીને મોટા કર્યા, મેં કરકસરથી ગૂજારો કર્યો અને કવિ યીટ્સ ઉપર સંશોધન કર્યું આ બધી વાતોનું અહીં અલ્હાબાદમાં કોઈને મન કશું મહત્વ જ નથી???”

એક દિવસ કવિ બચ્ચનજી આવી જ હતાશ મનોદશામાં કૉલેજમાં બેઠા હતાં. સ્ટાફરૂમમાં અન્ય પ્રાધ્યાપકો પણ હાજર હતાં. બધાં કવિની મજાક ઉડાવી રહ્યા હતાં. ત્યાં પટાવાળાએ આવીને એક ચિઠ્ઠી બચ્ચનજીનાં હાથમાં મૂકી.

એક વિરોધી અધ્યાપકે ખિલ્લી ઉડાવતાં પૂછ્યું, “કોનો પત્ર છે, કવિરાજ? અલ્હાબાદનાં કલેક્ટરે પોતાને ત્યાં ચા-પાણી માટે બોલાવ્યા હશે, નહીં? તેમ તો હવે ડૉ. બચ્ચન બની ગયાં ને, એટલે...”

કવિનાં ચહેરા પર ગૌરવભર્યું તેજ હતું, હોઠો પર હળવું સ્મિત અને આંખોમાં ચમક. એમણે શાંત સ્વરે જવાબ આપ્યો, “કલેક્ટરનો નહીં, પણ ભારતનાં વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુનો પત્ર છે. ચા-પાણી માટે નહીં, પરંતુ મને સ-પરિવાર ‘આનંદભુવન’માં ભોજન માટે આમંત્ર્યો છે. હા, તમારી એક ધારણા સાચી પડી છે. પંડીતજીએ મારા ડૉક્ટરેટ બદલ મને શાબાશી આપવા માટે બોલાવ્યો છે.”

આખી કૉલેજમાં સન્નાટો છવાઈ ગયો. જેને કૂતરુંયે સૂંધતું ન હતું. એ કવિને જંગલનો રાજા સિંહ સન્માન આપી રહ્યો હતો.

કવિરાજ બચ્ચનનાં જીવનમાં આવ્યો નવો વળાંક

સિંહે માત્ર સન્માન જ ન આપ્યું, સ્વમાનભરી જીંદગીની સગવડ પણ કરી આપી. પં. નહેરુએ કવિને ભોજન માટે બોલાવ્યા, એમની પીઠ થાબડી, પછી હાલ-ચાલ પૂછ્યા. કવિએ પોતાને પડતી માન-હાની વિષે ફરિયાદ કરી.

પં. નહેરુએ આશ્વાશન આપ્યું, “બચ્ચનજી, આપ દુઃખી ન થાવ. તમે શું છો એ હું બરાબર જાણું છું. હું દિલ્હી જઈને બે-ચાર મહિનામાં જ કંઈક કરું છું.

અને એક દિવસ બચ્ચનજીને આકાશવાણી તરફથી નિમણૂંકપત્ર મળી ગયો.એમને દિલ્હી કેન્દ્રમાં મોભાદાર જગ્યા પર ગોઠવી દેવામાં આવ્યા હતાં. પગાર પાંચસો રૂપિયામાંથી વધીને સાડા સાતસો કરી દેવાયો હતો. જેની ઉપર દેશનો રાજા મહેરબાન હોય તે માણસનો સિતારો બુલંદ થયાં વિના રહે ખરો?!

ગણતરીનાં સમયમાં બચ્ચનજીને ભારત સરકારનાં વિદેશ મંત્રાલયમાં ખેંચી લેવામાં આવ્યાં. નહેરુજીની સૂચનાને કારણે એક જ દિવસમાં ત્રણ વાર ત્રણ-ત્રણ રહેઠાણો ફાળવી દેવામાં આવ્યાં.

અલ્હાબાદનાં ક્વાઈવ રોડ પરનાં ભાડૂતી મકાનમાં રહેતો બચ્ચન પરિવાર હવે દિલ્હીનાં સાઉથ એવન્યુ ખાતેનાં સરકારી ફ્લેટમાં રહેવા આવી ગયો હતો. ત્યાંથી ત્રિમૂર્તિભુવન માત્ર પાંચ જ મિનિટનાં અંતરે  આવેલું હતું. એ ભારતનાં વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન હતું.

દિલ્હીનાં રાજકીય અને સરકારી વર્તુળોમાં છાને ખૂણે ગુપપુસ થવા માંડી હતી. વિરોધીઓ ખાનગીમાં મૂછમાં હસી રહ્યાં હતાં અને આંખ મિંચકારીને કહી રહ્યાં હતાં, “કવિ બાપડો ભોળીયા જીવ છે એ એવું સમજે છે કે આ બધાં લાભો એમનાં કારણે મળી રહ્યાં છે.”

અમિતાભ શેરવુડમાં

આ એ સમય હતો જ્યારે ઈન્દિરાજીનાં બંને બાળકો અને તેજીજીનાં બંને બાળકો વચ્ચે ગાઢ દોસ્તી જામવાની શરૂઆત થઈ. આમ તો ચારેય છોકરાઓ સાથે રમતાં, પણ ધીમે-ધીમે દોસ્તીનું ધ્રુવીકરણ સ્પષ્ટ થતું ગયું.

ઉંમરનાં હિસાબે અમિતાભ અને રાજીવ પાક્કા મિત્રો બની ગયાં અને અજિતાભનું ‘ટ્યુનિંગ’ સંજયની સાથે જામી ગયું. આ જ સમીકરણો પછી આખી જીંદગી સુધી ચાલ્યાં કર્યા.

અલ્હાબાદમાં ઓછી આવકને લીધે તેજીનો હાથ બંધાયેલો રહેતો હતો; હવે પૈસાની થોડી ઘણી છૂટ હતી. તેજીએ નક્કી કર્યું કે આ વધારાનાં રૂપિયા બાળકોનાં ભણતર પાછળ વાપરવા.

ઈન્દિરાજીએ એમને માહિતી આપી, “હું આ વરસથી રાજીવ અને સંજયને દહેરાદૂનની ‘દૂન સ્કૂલ’માં ભણવા માટે મોકલી રહી છું. તમે પણ તમારાં બંને પુત્રો માટે વિચારી શકો છો.”

તેજીએ વિચાર્યુ ‘દૂન સ્કૂલ’નું ભણતર ખૂબ મોંઘુ હતું, પણ નૈનિતાલમાં આવેલી શેરવુડનું ભણતર એમને પરવડે તેવું હતું.

નવાં સત્રથી અમિત અને બંટી નૈનિતાલ ઉપડી ગયાં. શેરવુડ એ આમ તો શાળા જ હતી, પણ એને કૉલેજનું  નામ આપવામાં આવ્યું હતું.

શેરવુડ કૉલેજમાં અમિતાભની કાયાપલટ થઈ એવું કહી શકાય. માતાની છત્રછાયા હેઠળ ઉછરેલું બકરી જેવું બાળક શેરવુડનાં પહાડી વાતાવરણમાં કડક અંગ્રેજી શિસ્તમાં રહીને વાઘ જેવું બની ગયું.

અહીંનાં વસવાટની ઘણી બધી વાતો રસ પડે તેવી છે, પરંતુ શેરવુડમાં એક ઘટના એવી બની જેણે આપણા દેશને અમિતાભ નામનો સુપરસ્ટાર આપી દીધો. જો કે એ સફળ ખૂબ લાંબી રહી, પણ એની શરૂઆત અહીંથી થઈ હતી.

અમિતાભનું પહેલું નાટક

શેરવુડ કૉલેજમાં દર વરસે એક નાટક ભજવવાની પરંપરા હતી. શાળા અંગ્રેજીનાં શિક્ષકે બધાં વિદ્યાર્થીઓને આ વાતની જાણ કરી. જેમને અભિનયમાં રસ હતો તે બધાં દોડી ગયાં. એમાં આ નવો વિદ્યાર્થી પણ સામેલ હતો.

ત્રણ કલાકનું અંગ્રજી નાટક ‘ધી હેપ્પીએસ્ટ ડે ઈન માય લાઈફ’ એનું નામ એમાં સૌથી મોટી અને સૌથી મહત્વની ભૂમિકા આ ચૌદ વર્ષનાં છોકરાને સોંપવામાં આવી. એની ઊંચાઈને ધ્યાનમાં રાખીને એને નાટકમાં કૉલેજનો પ્રિન્સીપાલ બનાવવામાં આવ્યો હતો. નાટકની તૈયારી માટે માત્ર દોઢ મહિનાનો સમય હતો.

અમિતાભે આ પહેલા નાટકોમાં ભાગ લીધો ન હતો. ઘરમાં મમ્મીની સાડીનો પડદો બનાવીને મિત્રોની સાથે ગમ્મત ખાતર નાટકો ભજવેલા હતાં. પણ પદ્ધતિસરનો અભિનય શું છે એની એને ખબર ન હતી.

શિક્ષકે એને પાત્ર સોંપતા પહેલાં પૂછી જોયું હતું, “આ પહેલા ક્યારેય નાટકમાં અભિનય કર્યો છે ખરો?”

જવાબમાં અમિતાભ એવી રીતે હસ્યા હતાં કે એનો અર્થ ‘હા’ પણ થાય અને ‘ના’ પણ થાય.

નાટક માટે અમિતે ખૂબ મહેનત કરી. સંવાદો પાક્કા કર્યા. પીઢ દેખાવા માટે ‘મેક અપ’ લગાવ્યો. એની ઊંચાઈ એની વહારે આવી. માત્ર એને એ સમજાતુ ન હતું કે એના બે લાંબા હાથનું શું કરવું! ( સમસ્યા આગળ જતાં ફિલ્મોમાં પણ એને નડવાની હતી કે આ હાથ તો બહુ કામની ચીજ છે!) આ હાથથી ‘જંઝીર’નો પોલીસ ઈન્સ્પેક્ટર ધરમા તેજા અજીતનાં હાથમાંથી ચીરૂટ બૂઝાવી દેવાનો હતો. આ હાથથી ‘દીવાર’નો કૂલી ખાખી બીડી મોંમાં દબાવીને પીટરનાં ગુંડાઓની ધોલાઈ કરવાનો હતો. આ હાથ વડે એ ‘યારાના’માં ગિટાર બજાવવાનો હતો, ‘શોલે’માં સિક્કો ઊછાળવાનો હતો, ‘ડૉન’માં ભાંગ પીવાનો હતો અને બનારસી પાન આરોગવાનો હતો. આ હાથ બહુ નસીબવંતા સાબિત થવાનાં હતાં; કેમ કે એનો અર્થ પામીને રેખા, ઝિન્નત, પરવીન, હેમા,માધુરી અને શ્રીદેવી જેવી કંઈક દેવીઓ ધન્ય બની જવાની હતી.

નાટક સફળ રહ્યું. દર્શકોમાં ખૂબ પ્રશંસા પામ્યું. ખુદ શેરવુડનાં પ્રિન્સિપાલ મિ. લેવલીને અમિતાભનાં અભિનયનાં પેટ ભરીને વખાણ કર્યા.  નાટક પછીનાં ‘ડિનર’ વખતે પ્રિન્સિપાલે જાહેર કર્યું, “ભલે જ્યુરીએ અન્ય કલાકારને ઈનામ માટે પસંદ કર્યો હોય, પણ મારા મતે શ્રેષ્ઠ અભિનય આ નવા આવેલા છોકરાનો જ હતો. એનું નામ છે અમિતાભ બચ્ચન.”

તાળીઓનાં ગડગડાટ વચ્ચે અમિતાભ શરમાઈને માથું ઝૂકાવીને બેસી રહ્યો. એ વખતે એને ખબર ન હતી કે શેરવુડનાં પ્રિન્સિપાલે ઉચ્ચારેલું આ વાક્ય ભવિષ્યમાં સેંકડો એવોર્ડઝ ફંક્શનોનું ધ્રુવવાક્ય બની રહેવાનું હતું: “એન્ડ ધી એવોર્ડ ગોઝ ટુ મિ. અમિતાભ બચ્ચન…!”

પ્રિ. લેવલીને એને પૂછ્યું, “મને જે ચીજ સૌથી ગમી તે છે તારો આત્મવિશ્વાસ. તુ ખરેખર એવું માનતો હતો કે તુ આટલો સુંદર અભિનય કરી શકીશ?”

........

કટ ટુ:

ફિલ્મ ‘દીવાર’માં સ્મગલર બનતાં ઈફ્તેખારે સોંપેલું એક અશક્ય કામ અમિતાભ સફળ રીતે પાર પાડી આપે છે. એ પણ સાવ એકલા જ! એની પહેલા ઈફ્તેખાર પૂછે છે: “ક્યા તુમ યે માનતે હો કિ યહ કામ તુમ અકેલે કર સકોગે?”

અમિતાભનો જવાબ: “નહીં, મૈં વૈસા માનતા નહીં હૂં, મૈં તો જાનતા હૂં કિ મૈં યહ કામ કર સકૂંગા!”

આ ‘માનવું’ અને ‘જાણવું’ વચ્ચે જેટલો ફરક છે એટલો ફરક આપણી અને બિગ-બી વચ્ચે રહેલો છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા