જ્યારે લાગે કે એકબીજા સાથેની વાતચીત દલીલમાં પરિવર્તિત થઇ રહી છે, ત્યારે સાવધ થઇ જાવ. આ શરૂઆત છે, સંબંધોમાં મતભેદ થવાની, જે વિસંવાદિતા સર્જી શકે છે.
રાતદિવસ સતત રહેતા આ સ્ટ્રેસને લીધે સ્વભાવ ચીડિયો અને ખીજાયેલો બની જાય છે. જો તમે લાંબા સમયથી સ્ટ્રેસનો સામનો કરી રહ્યાં હો અને તમને એનું કારણ ખબર ન હોય તો સાવધ થઇ જજો. આ સ્થિતિ તમારા સંબંધોમાં તિરાડ પડવાનો સંકેત હોઇ શકે છે.
આજના સમયમાં કુટુંબના સભ્યો વચ્ચે જુદી જુદી બાબતો અંગે સ્ટ્રેસ ઉત્પન્ન થવો એ સામાન્ય બાબત બની ગઇ છે. આમાં ઘણી વાર સંજોગો આપણા નિયંત્રણમાં નથી હોતા, તો ક્યારેક સ્વજનો સાથે સંકળાયેલી ચિંતા પરેશાન કરે છે. રાતદિવસ સતત રહેતા આ સ્ટ્રેસને લીધે સ્વભાવ ચીડિયો અને ખીજાયેલો બની જાય છે. જો તમે લાંબા સમયથી સ્ટ્રેસનો સામનો કરી રહ્યાં હો અને તમને એનું કારણ ખબર ન હોય તો સાવધ થઇ જજો. આ સ્થિતિ તમારા સંબંધોમાં તિરાડ પડવાનો સંકેત હોઇ શકે છે. આવું બને ત્યારે સમસ્યાનું સાચું કારણ જાણ્યા પછી જ સંજોગો બદલાઇ શકે છે.
મોટા ભાગના પરિવારમાં સભ્યો વચ્ચે વિસંવાદિતા જોવા મળે છે. જેના લીધે તેઓ એકબીજા સાથે પોતાના મનની વાત મુક્ત રીતે કરી શકતાં નથી. આ બધી વાતો ફરિયાદરૂપે મનમાં ઘર કરી જાય છે. પછી જ્યારે કંઇક બને અથવા તો એવો કોઇ સમય આવે ત્યારે આ ફરિયાદ ખોટી રીતે રજુ થાય છે અને સંજોગો વધારે બગડતાં જાય છે. કેટલીક વાર વાત કહેતી વખતે આપણે સામેવાળી વ્યક્તિ સાથે દલીલ કરવા લાગીએ છીએ, તો ક્યારેક સંવાદના સ્થાને આરોપ-પ્રત્યારોપના સંજોગો ઊભા થાય છે.
જ્યારે આવું બને ત્યારે બંનેમાંથી કોઇ પણ પક્ષમાં ન તો સાંભળવાની ધીરજ હોય છે કે ન તો પોતાની વાતને યોગ્ય રીતે કહેવાની રીત હોય છે. જે કંઇ વાત કહેવામાં આવે છે, તેમાં પણ કડવાશભયાઁ વાક્યો અને ફરિયાદની શૈલી જ પ્રતિનિધિત્વ કરતી જોવા મળે છે. જેમ કે, ‘તમને તો મારી કંઇ પરવા જ ક્યાં છે? તમે તો તમારી જાત અને કામમાં જ ખોવાયેલા રહો છો.’
‘હું અહીં હોઉં કે ન હોઉં, તમને શો ફરક પડે છે?’ જ્યારે પ્રશ્નોમાં કટાક્ષ રહેલો હોય ત્યારે તેના ઉત્તરો પણ એવા જ મળે છે. જેમ કે, ‘કાયમ મારી જ વાત કેમ કરે છે? તેં ક્યારેય એવું વિચાર્યું છે કે હું શું ઇચ્છું છું?’ ‘માની લીધું કે મને તારી પરવા કે ચિંતા નથી, પણ તને મારી ચિંતા છે?’
સંબંધમાં પણ જરૂરિયાત છે
સ્વજનો કે આત્મીયજનો પાસેથી અપેક્ષા રાખવી એ સ્વાભાવિક છે, તેથી સ્વજનો સાથે દરેક વાત મોકળા મને કહેતાં શીખો. તમારા સ્વજનો અને તમારી વચ્ચે સ્પષ્ટ અને પારદર્શક સંવાદ થવો જોઇએ, જેથી તમે મનમાં રહેલી કોઇ પણ વાત વિનાસંકોચે જણાવી શકો. તેના લીધે એકબીજા સાથે સાયુજ્ય અને તાલમેળ આપોઆપ જ જળવાઇ જશે. પરિણામે મનમાં કોઇ પ્રકારની ફરિયાદ રહેવાની શક્યતા જ નહીં રહે.
આમ છતાં જો તમને કોઇની કંઇ બાબત ન ગમે અથવા તો પસંદ ન પડે તો સરળ શબ્દો અને શૈલીમાં એની સાથે વાત કરો, ચર્ચા કરો. આના લીધે મતભેદ થવાની શક્યતા ઓછી રહેશે. જો તમે ઓફિસમાં અથવા અન્ય કંઇ પરેશાનીનો સામનો કરી રહ્યાં હો, તો પરિવારના દરેક સભ્યને આ અંગે પણ જણાવશો, તો તેઓ તમારી મનોસ્થિતિ અને બદલાયેલા વર્તનનું કારણ સમજી શકશે. એવું પણ બની શકે કે તેમની કંઇ સલાહ તમારી પરેશાનીમાં ઘટાડો પણ કરે.
કદાચ એવું બને કે તેમની પાસે ભલે કંઇ ઉકેલ ન હોય, તેમ છતાં તેમનો સાથસહકાર તમને આધાર આપે. એક વાત કાયમ યાદ રાખો કે જે કામ એકબીજા પર દોષારોપણ કરવાથી પૂરું નથી થતું તે ધીરજ અને એકબીજાની સંમતિથી સહેલાઇથી થઇ શકે છે. કૌટુંબિક સ્ટ્રેસ દૂર કરવા માટે દિનચર્યા, વર્તન અને વિચારમાં થોડું પરિવર્તન લાવવાની જરૂર છે. એકબીજા પર ચીડાઇને કે આક્રમક વલણ અપનાવી મોં ચડાવીને રહેવામાં સમજદારી નથી, તેનો ખ્યાલ રાખવાની જરૂર છે.
જિંદગીમાં ભરો ઉત્સાહ
કેટલાક કામ ઘરના સભ્યો સાથે કરવાં છે તે બાબતને તમારી દિનચર્યાનો ભાગ બનાવી લો. જેમ કે, સાથે જમવું, સવારે સાથે ફરવા જવું, વગેરે. રોજિંદું એક જ પ્રકારનું કામ અને તેની સાથે સંકળાયેલી દિનચર્યા પણ જીવનમાં નીરસતા ઉત્પન્ન કરે છે. આ નીરસતાને દૂર કરવાની જરૂર છે. થોડા દિવસ માટે સપરિવાર ક્યાંક ફરવા જવું કે અઠવાડિક રજાના દિવસે મિત્રોને મળવું જરૂરી છે. એથી તમારી દિનચર્યા બદલાશે અને જીવનમાં નવો ઉત્સાહ અને ઊર્જા ઉત્પન્ન થશે. સ્ટ્રેસ દરેક સ્થાને વ્યાપી શકે છે, તો ખુશી અને ઉત્સાહ પણ દરેક કામમાં હોઇ શકે છે. જરૂર છે, માત્ર તેને ઓળખીને તેનો આનંદ માણવાની.
Comments
Post a Comment