સ્ટોરી: ફિલ્મના નામને અનુરૂપ ફિલ્મની સ્ટોરી, દિલથી અને વ્યવસાયથી એક બોડીગાર્ડ એવા લવલી સિંહ (સલમાન ખાન)ની છે. બિઝનેસ જાયન્ટ સરતાજ રાણા (રાજ બબ્બર) પોતાની દીકરી દિવ્યા (કરિના)ની સુરક્ષા માટે લવલી સિંહને બોડીગાર્ડ બનાવે છે. પોતાને બહાદુર અને ખતરાનો સામનો કરનાર સમજતા લવલી સિંહને સંકટ સમયે લોકોને મદદ કરવી ગમે છે પરંતુ લવલી સિંહની બધે જ યુનિફોર્મ પહેરીને ફરવાની જીદ અને તેની અન્ય હરક્તોને કારણે દિવ્યા પોતાની જ કોલેજમાં એક મજાકનું પાત્ર બની જાય છે. ચીડાયેલી દિવ્યા, લવલી સિંહનું ધ્યાન બીજી તરફ દોરવા, એક પ્રાઈવેટ નંબર પરથી ફોન કરીને પોતે તેની સિક્રેટ લવર હોવાનો અભિનય કરે છે. આ કારણે લવલી સિંહના જીવનમાં વાવાઝોડું આવી જાય છે તથા તે ખરેખર આ અજાણી કોલરના પ્રેમમાં પડી જાય છે. લવલી સિંહ જ્યારે આ અજાણી પ્રેમિકાને શોધવા નીકળે છે અને દિવ્યાને બચાવવાની કોશિષ કરે છે, ત્યારે ફિલ્મમાં રસપ્રદ વળાંક આવે છે.
સ્ટોરી ટ્રિટમેન્ટ : મલયાલમ ડિરેક્ટર અને લેખક સિદ્દીકીએ આ પહેલા ‘હલચલ’ અને ‘ભાગમ ભાગ’ જેવી ફિલ્મો પણ લખી છે. આ વખતે તેમણે સાઉથની ફિલ્મને બોલિવૂડ લાયક બનાવવા માટે જે નાના-મોટા ફેરફારો કર્યા છે તે પ્રશંસનીય છે. વાર્તામાં કોમેડી, રોમાન્સ, એકશન અને હળવું સસ્પેન્સ છે. મુખ્ય વાત એ છે કે વાર્તાને કારણે સલમાન ખાનને ફરીથી રોમેન્ટિક ફિલ્મોમાં જોવાનો લહાવો મળશે. સરાહનીય વાત તો એ છે કે, ટીપીકલ બોલિવૂડ ફિલ્મોની જેમ સલમાનને અંતમાં ભગવાન બનાવી દેવાયો નથી. ફિલ્મનો પહેલો ભાગ ખેંચવામાં આવ્યો છે અને બહુ જ ધીમો છે જ્યારે બીજો ભાગ ફાસ્ટ અને એક્શન પેક છે. સલમાનની નિર્દોષતા અને કરિનાની લાગણીઓને કારણે સ્કિ્રન પ્લે દમદાર લાગે છે. જ્યારે એક એકશન દ્રશ્ય માટે સલમાન પોતાનો શર્ટ કાઢે છે ત્યારે ‘ટીપીકલ સલમાન’ સ્ટાઇલમાં ફિલ્મનો હેપ્પી એન્ડ આવશે તેવું લાગે છે પણ ત્યારે જ સ્ટોરીમાં એક રોમાંચક વળાંક આવે છે.
સ્ટાર કાસ્ટ: સલમાને ફરી એક વાર સાબિત કરી દીધું છે કે એકશન હોય કે કોમેડી કે રોમાન્સ હોય એ હંમેશા ‘રેડી’ હોય છે. સલમાન પોતાના કોમેડી ટાઈમિંગ અને શરીર સૌષ્ઠવથી લવલી સિંહના પાત્રને જીવંત કરે છે. દિવ્યાના પાત્રને જોતા લાગે કે કરિના એક પીઢ અભિનેત્રી બની રહી છ. ‘જબ વી મેટ’નાં ‘ગીત’ના પાત્ર પછી તેની આ ભૂમિકા યાદ રહે તેવી છે. સલમાન અને કરિનાએ કંઇક નવી ઓન-સ્કિ્રન કેમેસ્ટ્રી લાવવાનો પ્રયાસ કર્યો જ છે. રજત રવૈલ ઠીક છે, જ્યારે હેઝલ કિચ, આદિત્ય પંચોલી, મહેશ માંજરેકર અને રાજ બબ્બરે પોતાનું કામ કર્યું છે.
ડાયરેકશન: પોતાની કરિયરની શરૂઆતમાં મિમિક્રી કરી હોવાનો ફાયદો સિદ્દીકીએ કોમેડી સિકવલના ડાયરેકશનમાં ઉઠાવ્યો છે. વધુમાં તેઓ મલયાલમ અને તમિલમાં પણ આ ફિલ્મ બનાવી ચૂક્યા છે. તેમણે ફિલ્મમાં યોગ્ય હળવી કોમેડી સિકવન્સ મુકી દર્શકોને ફિલ્મ જોડે રમૂજથી બાંધી રાખ્યાં છે. પ્રિયદર્શન બાદ સાઉથમાંથી બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવનારા તેઓ બીજા સફળ ડિરેક્ટર બની શકે તેમ છે.
સંવાદો/સિનેમેટ્રોગ્રાફી/સંગીત: ફિલ્મનું સંગીત ઘણું જ લોકપ્રિય બન્યું છે. આ સિવાય સલમાનના મિત્ર હિમેશ રેશમિયાએ સારી રીતે કમબેક કર્યું છે. પ્રીતમનું કમ્પોઝ કરેલું એકમાત્ર ગીત ‘આઈ લવ યુ...’ યુવાઓમાં કર્ણપ્રિય બન્યું છે. થીમ સોન્ગ પણ થિયેટર્સમાં દર્શકોને રિઝવવામાં સફળ રહ્યું છે,ફિલ્મના ડાન્સ નંબર્સ તમને નાચવા મજબૂર કરી દે તેવા છે. એકશન ફિલ્મમાં રોમાન્સનો તડકો લગાવવામાં રોમેન્ટિક સોન્ગ્સે કોરિયોગ્રાફર્સને પૂરતી પ્રેરણા આપી છે. ફિલ્મના સિગ્નેચર ડાયલોગ ‘‘ મુઝપે એક એહસાન કરના...મુઝપે કોઈ એહસાન મત કરના’’ સિવાયના અન્ય ડાયલોગ્સ સામાન્ય છે. તો પણ, ડાયલોગ્સ સાંભળીને કોઇ મોઢું નહીં બગાડે.
અપ્સ એન્ડ ડાઉન: સલમાન, કરિના અને સિદ્દીકીની ત્રિપુટીએ ઈદના અવસર પર દર્શકોને રોમાન્સ, એકશન અને કોમેડીની મજેદાર બિરીયાની પિરસી છે. ‘મર્ડર ૨’ અને ‘નોટ અ લવ સ્ટોરી’ જેવી ફિલ્મો જોયા બાદ ‘બોડીગાર્ડ’ આખા પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી પારિવારિક ફિલ્મ છે. જો તમે સલમાનના ચાહક હોવ તો આ ફિલ્મ તમને નિરાશ કરશે નહીં તે વાત તો નક્કી જ છે.
Comments
Post a Comment